અમેરિકાનો ફુગાવાનો દર મર્યાદિત રહેતા સોના અને ચાંદીમાં વિતેલા ત્રણ દિવસથી વધી રહેલા ભાવમાં તેજી થાક ખાતી જોવા મળી હતી. તેની અસર રૂપે સ્થાનિક બજારોમાં પણ કીમતી ધાતુઓના ભાવ સ્થિર રહ્યા હતા. વાયદા બજારમાં જોકે ધીમો સુધારો આગળ વધ્યો હતો.
અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું રૂ. 74,200 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ. 74,000 પ્રતિ 10 ગ્રામના મથાળે સ્થિર રહ્યું હતું. તેવી જ રીતે ચાંદી કિલો દીઠ રૂ. 84,500ના મથાળે ટકી ગઈ હતી. વૈશ્વિક બજારોમાં સોનું 2,523 ડોલર સામે ગુરુવારે 2,518 ડોલર અને ચાંદી 28.80 ડોલર સામે 28.83 ડોલર પ્રતિ ઔંસ નોંધાઈ હતી.
MCX પર સોનાનો ઓકટોબર વાયદો રૂ. 262 વધીને રૂ. 71,927 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદી રૂ. 712 વધીને રૂ. 84,450 પ્રતિ કિલો થઈ હતી. ગુરુવારે મોડી સાંજે આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ સોનું 10.40 ડોલર વધીને 2,552.80 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 24.20 સેંટ વધીને 29.17 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બુલિયન વિશ્લેષકોના મતે, અમેરિકામાં ઓગસ્ટમાં ફુગાવો 0.3% રહ્યો હતો જે જુલાઈમાં 0.2% હતો. આ આંકડા સામે આવ્યા બાદ ટ્રેડર્સ અનેરોકાણકારોને લાગી રહ્યું છે કે, ફેડરલ રિઝર્વ વ્યાજદરની નીતિને લઈને આક્રમક વલણ નહીં અપનાવે અને તેના કારણે બજારોમાં તેજીને બ્રેક લાગી છે. આગામી 17-18 સપ્ટેમ્બરે ફેડની પોલિસી મિટિંગ ઉપર બધાની નજર રહેશે અને તેના આધારે બજારની આગામી ચાલ નક્કી થશે.
Source link