પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ટીમ પીએમ મોદીને મળી હતી. તેમની સાથે સંવાદ કર્યો હતો. ત્યારે આ સંવાદનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી સાથે પેરા એથ્લિટ અને તેમના કોચ વાતો કરી રહ્યા છે. હસી મજાક પણ પીએમ મોદી કરતા જોવા મળી રહ્યા છે. . પ્રધાનમંત્રીએ એથ્લેટ્સ અને પેરાલિમ્પિયનોને પેરાલિમ્પિક્સમાં તેમના અનુભવ વિશે સવાલ કર્યા હતા.
એક વીડિયોમાં એથ્લિટ એવુ કહેતા જોવા મળે છે કે બધા માટે પીએમનો અર્થ હશે પ્રધાનમંત્રી પરંતુ અમારા માટે પીએમ એટલે પરમમિત્ર. બસ આવુ કહેતા જ પીએમ મોદી બોલી ઉઠ્યા વાહ.. ત્યાર બાદ હાજર સૌ કોઇમાં હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતું.
પેરાલિમ્પિકમાં ભારતનો દબદબો
ઉલ્લેખનીય છે કે પેરિસ પેરાલિમ્પિક્સમાં વિક્રમી 29 મેડલ જીતીને ભારતીય એથ્લેટ મંગળવારે દેશ પરત ફર્યા હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ જીત્યા હતા. ભારતે ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 24મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે પેરિસમાં ભારત 18માં ક્રમે હતું. આ વખતે ભારત પેરિસમાં 25 પાર્સના લક્ષ્ય સાથે આવ્યું હતું અને તેને હાંસલ પણ કર્યું હતું.
સરકાર દ્વારા સન્માન
આ વખતે ભારતે સૌથી વધુ 84 ખેલાડીઓની ટીમ પેરિસ મોકલી હતી. પેરાલિમ્પિયનો દેશમાં પરત ફર્યા બાદ સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત મંત્રી માંડવિયાએ ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રૂપિયા, સિલ્વર વિજેતાઓને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓને 30 લાખ રૂપિયા આપ્યા છે. મિશ્ર ટીમ ઈવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને 22.5 લાખ રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાકેશ કુમાર સાથે બ્રોન્ઝ મેડલ જીતનાર તીરંદાજ શીતલ દેવીનો સમાવેશ થાય છે.