ભારતમાં હવામાનની સચોટ આગાહી કરવા તેમજ અનિયમિત હવામાનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે તેમજ ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મિશન મોસમને મંજૂરી આપવામાં આવી છે. આ માટે પહેલા તબક્કામાં કામગીરી કરવા રૂ. 2,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પહેલા તબક્કામાં માર્ચ 2026 સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. ભારતમાં અનિયમિત હવામાન પર નિયંત્રણ મેળવવા માટે આ મિશન હાથ ધરાશે. જેમાં આગામી 5 વર્ષ સુધી કૃત્રિમ વરસાદ તેમજ બરફનાં કરાને વધારવા કે ઓછા કરવા માટે કામ કરાશે. ટૂંકા કે મધ્યમ ગાળામાં હવામાનની સચોટ આગાહી કરવા તેમજ તેમાં 5 ટકાથી લઈને 10 ટકા સુધીનો સુધારો કરવા કાર્ય કરાશે. દેશનાં તમામ મેટ્રો શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા તેમજ યોગ્ય આગાહી કરવા 10 ટકાન સુધારો કરાશે.
માર્ચ 2026 સુધીના પહેલા તબક્કામાં હવામાનના ઓબ્ઝર્વેશન માટે નેટવર્ક વિસ્તારવામાં આવશે જેમાં 70 ડોપલર રડાર અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા કોમ્પ્યૂટર્સ તેમજ 10 વિન્ડ પ્રોફાઇલર્સ અને 10 રેડિયોમીટર્સનો ઉપયોગ કરાશે.
જરૂર પડે ત્યારે કૃત્રિમ વરસાદ વરસાવાશે
મિશન મોસમ હેઠળ દેશમાં જ્યારે જરૂર પડે ત્યારે કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે. પૂરની સ્થિતિમાં વરસાદ કે કરા પડવાની સ્થિતિને રોકી શકાશે. વીજળી અને ગાજવીજ સાથેના વરસાદને પણ રોકી શકાશે. આમ માટે પાંચ વર્ષમાં અનેક પ્રકારના પ્રયોગો હાથ ધરવામાં આવશે. વાદળ ફાટવાની ઘટનાઓ પર ધ્યાન રખાશે અને તેને અંકુશિત કરાશે.
ચેટજીપીટીની જેમ મોસમ જીપીટી બનાવીને યૂઝર્સને મોસમની સચોટ માહિતી અપાશે
આ મિશનનો હેતુ ભારતને જળવાયુ પ્રતિ સ્માર્ટ બનાવવાનો છે જેથી વાદળ ફાળવાની ખતરનાક સ્થિતિમાં રાહત મળી શકે. હવામાન વિભાગ તથા અન્ય વિજ્ઞાન સંસ્થાઓ ચેટજીપીટી જેવું મોસમ જીપીટી એપ વિકસાવશે અને તેને લોન્ચ કરશે. યૂઝર્સને આગામી પાંચ વર્ષમાં લેખિત અને ઓડિયો સ્વરૂપે હવામાન અંગેની તમામ જાણકારી મળતી થઈ જશે. આ કારણે પ્રવાસે જતા લોકોને પણ ફાયદો થશે અને જાનહાનિ અટકાવી શકાશે તથા આર્થિક નુકસાન અટકાવી શકાશે.
Source link