સુરત શહેર પોલીસની પીસીબી અને એસઓજી બ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સારોલીના બે ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને કન્ટેનર ટ્રકોમાં છૂપાવેલો કહો કે સંગ્રહ કરેલો 4.99 કરોડનો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો અને 60 લાખનો નકલી પાનમસાલાનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 6.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 3ની ધરપકડ કરી હતી.
દિલ્હીથી ગુટના-પાનમસાલાનો માલ મંગાવી સારોલીમાં સંગ્રહ કરી ગુજરાતના અલગ-અલગ શહેરો અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરવાનું નેટવર્ક ચાલતું હતુ. દિલ્હીના સપ્લાયર સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા હતા.
મળતી વિગતો પ્રમાણે પીસીબીની ટીમ પીઆઇ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ અજયસિંહ અને મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, સારોલીના એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ગુટખા અને પાનમસાલાનો જથ્થો પડેલો છે. જેથી પીસીબી અને એસઓજીની ટીમે સારોલી નજીક સણિયા હેમાદ ગામે પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લોજિસ્ટિક્સના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. અહીંથી 3 આરોપી સંજય સીતારામ શર્મા (ઉ.વ.38, રહે- મોડલ ટાઉન પાર્ક, લેન્ડમાર્ક પાસે, પુણા-કુંભારિયા રોડ- મુળ ઝુનઝુન, રાજસ્થાન), સંદિપ જયવિર નૈણ (ઉ.વ.20, રહે- જલારામનગર, પુણા કુંભારિયા- મુળ હનુમાનગઢ, રાજસ્થાન) અને વિશાલ રાજીવ જૈન (ઉ.વ.27, રહે- સવિતા સદન, કંતેશ્વર સોસાયટી, સારોલી- મુળ ફિરોઝાબાદ, યુપી)ને પકડી પાડયા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરતા ગોડાઉન અને પાંચ કન્ટેનર ટ્રકોમાં સંતાડી રાખેલો રૂા.4.38 કરોડનો પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાનમસાલાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી કુલ્લે રૂપિયા 5.58 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ રેકેટના પર્દાફાશ થયા બાદ અન્ય ટીમના પોલીસ કર્મીઓ અશોક લાભુભાઇ અને ભરત કોદરભાઇને મળેલી બાતમીના આધારે સારોલીમાં પ્રિન્સ ટ્રાન્સપોર્ટ નગર ખાતે આવેલા બંધ ગોડાઉનમાં રેઇડ કરાઇ હતી. અહીંથી પણ ગોડાઉનમાં છૂપાવેલો પ્રતિબંધિત ગુટકાનો 60.90 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીએ આ મામલે સારોલી પોલીસ મથકમાં બે અલગ-અલગ ગુના નોંધાવ્યા હતા. બંને ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી કુલ્લે રૂપિયા 6.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
Source link