વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પીએમ મોદીએ ડોડામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પીએમ મોદીએ સ્થાનિક ભાષામાં સૌને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન ઉપસ્થિત લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તમે અને હું સાથે મળીને સુરક્ષિત જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે આ વિધાનસભા ચૂંટણી જમ્મુ-કાશ્મીરના ભાગ્યનો નિર્ણય કરશે અને ભવિષ્ય નક્કી કરશે.
પીએમ મોદીના ભાષણની મહત્ત્વની વાતો
પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદથી આ રાજ્ય વિદેશી દળોનું નિશાન બની ગયું છે. આ પછી પરિવારવાદે તેને પોકળ બનાવવાનું શરૂ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે તમે જે રાજકીય પક્ષોને ચૂંટ્યા છે, તે તમને આગળ નથી લઈ ગયા પરંતુ તમારા પરિવારને આગળ લઈ ગયા છે. જ્યારે અહીંના લોકો આતંકવાદની ચક્કીમાં પીસતા રહ્યા.
પરિવારવાદ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી. પીએમ મોદીએ કહ્યું કે 2005 સુધી અહીં પંચાયતની ચૂંટણી થઈ ન હતી. BDC ચૂંટણીઓ યોજાઈ ન હતી. દાયકાઓ સુધી પરિવારવાદે અહીંના લોકોને આગળ આવવા ન દીધા.
આપણા જમ્મુ અને કાશ્મીરમાં બે બંધારણ હતા
વડાપ્રધાને કહ્યું, ‘આ દિવસોમાં આ લોકો બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાના કાળા કૃત્યો છુપાવવા માટે આ શો કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરનું દરેક બાળક જાણે છે કે વાસ્તવિકતા શું છે. આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણની આત્માને ફાડી નાખી હતી. નહિં તો આપણા જમ્મુ અને કાશ્મીરમાં બે બંધારણ હતા તેનું કારણ શું હતું? દેશના અન્ય ભાગોમાં જે અધિકારો મળ્યા છે તે અહીંના લોકોને કેમ નથી મળ્યા? શું કારણ છે કે અહીંના આપણા પહાડી ભાઈ-બહેનોને આટલા વર્ષો સુધી આરક્ષણ ન મળ્યું? જમ્મુ અને કાશ્મીરમાં તેઓએ એસસી/એસટી અને ઓબીસીનું નામ પણ લીધું નથી.
વિપક્ષ પર પીએમ મોદીએ કર્યા આકરા પ્રહારો
વિપક્ષ પર આકરા પ્રહારો કરતા પીએમએ કહ્યું, ‘આટલી પેઢીઓ પછી ભાજપ સરકારે તેમને અનામત આપી છે, આજે એવા ઘણા મિત્રો છે જેમને પહેલીવાર મત આપવાનો અધિકાર મળ્યો છે. ભારતનું બંધારણ દરેકને મત આપવાનો અધિકાર આપે છે. પરંતુ જેઓ ખિસ્સામાં બંધારણ લઈને ફરતા હતા તેઓએ 75 વર્ષથી તમારામાંથી કેટલાકનો મત આપવાનો અધિકાર છીનવી લીધો હતો.
આતંકવાદ તેના છેલ્લા શ્વાસો ગણી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું, ‘તમને એ સમય યાદ છે જ્યારે દિવસ આથમતાંની સાથે જ અહીં અઘોષિત કર્ફ્યુ લગાવવામાં આવતો હતો. સ્થિતિ એવી હતી કે કોંગ્રેસની કેન્દ્ર સરકારના ગૃહમંત્રી પણ લાલચોક જવાથી ડરતા હતા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ હવે અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં અહીં જે પરિવર્તન આવ્યું છે તે કોઈ સપનાથી ઓછું નથી. નવું જમ્મુ અને કાશ્મીર એ પથ્થરોથી બનાવવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ અગાઉ પોલીસ અને સેના પર હુમલા માટે થતો હતો.
જમ્મુ-કાશ્મીરના લોકોએ સાવધાન રહેવાની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું કામ માત્ર ભાજપ સરકાર જ કરશે. પરંતુ તમારે આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે, જેઓ પોતાના સ્વાર્થ માટે તમારા અધિકારો છીનવી રહ્યાં છે.
આ નેતાઓ જમ્મુ-કાશ્મીરની લેશે મુલાકાત
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પાર્ટી દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી 40 સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પણ સામેલ છે. કેન્દ્રીય મંત્રીઓ – નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર, જી. કિશન રેડ્ડી ઉપરાંત શિવરાજ સિંહ ચૌહાણ, જિતેન્દ્ર સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની અને જનરલ (નિવૃત્ત) વી.કે. સિંઘ એ અન્ય અગ્રણી ચહેરાઓ છે જે ચૂંટણી પ્રચાર દરમિયાન જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.
આ સિવાય પ્રચારકોના લિસ્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નામ પણ સામેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે – 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર. 4 ઓક્ટોબરે મતગણતરી થશે.
Source link