મુંબઈ અને દોહા વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ પાંચ કલાક મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલા રહ્યા હતા. હવે કંપનીએ આ અંગે મુસાફરોની માફી માંગી છે. ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ગ્રાહકોને હોટલ આપવામાં આવી રહી છે અને તેમના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અસુવિધા માટે માફી માંગી
ઈન્ડિગો એરલાઈન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1303 ટેકનિકલ કારણોસર મોડી પડી હતી. અમારી એરપોર્ટ ટીમે અસરગ્રસ્ત ગ્રાહકોને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી. નાસ્તો તેમજ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. વિમાને ઘણી વખત તેના ગંતવ્ય પર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિવિધ પ્રક્રિયાગત વિલંબને કારણે આખરે ફ્લાઇટને રદ કરવી પડી હતી. સાથે જ જણાવ્યું કે ગ્રાહકોને હોટલો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને તેનું બુકિંગ તેમના અંતિમ મુકામ મુજબ કરવામાં આવી રહ્યું છે. ઈન્ડિગો તેના ગ્રાહકોને પડેલી અસુવિધા માટે દિલથી ક્ષમા માંગે છે. તેમ ટ્વિટ કરતા જણાવ્યુ હતું.
એરલાઇન્સના કર્મીઓએ મદદ ન કરી- મુસાફરો
ઉલ્લેખનીય છે કે મુંબઈ-દોહા ઈન્ડિગો ફ્લાઈટ સવારે 3.55 કલાકે ટેક ઓફ કરવાની હતી પરંતુ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ટેક ઓફ થઈ શક્યું ન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાફરોને લગભગ પાંચ કલાક સુધી પ્લેનની અંદર રાહ જોવી પડી હતી. મુસાફરોનો આરોપ છે કે લાંબા સમય સુધી રાહ જોયા બાદ તેમને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા અને ઈમિગ્રેશન વિસ્તારમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું. જેના કારણે 300 જેટલા મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. આ દરમિયાન મુસાફરો અને એરલાઈન્સ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે રાહ દરમિયાન તેમને પાણી કે ખોરાક આપવામાં આવ્યો ન હતો. બાળકો અને વડીલોને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.