ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે પરંતુ આ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.અને જાણે ૨૧મી સદીમાં પણ ૧૮મી સદીનો અહેસાસ ગ્રામજનો કરી રહ્યા છે.અને તુરખેડાના ગ્રામજનો આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે.
વિકાસના મોટા મોટા દાવાઓ નિષ્ફળ
છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોચાડવાનો દાવો સરકાર કરી રહી છે. પરંતુ સરકારના આ દાવોનો છેદ છોટા ઉદેપુર જીલ્લાનું તુરખેડા ઉડાડી રહ્યું છે. હા વાત છે તુરખેડાની, કે જે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે આવેલું ગામ છે. જ્યા બે હજાર કરતા વધુ લોકોની વસ્તી આવેલી છે અને ડુંગરની વચ્ચે વસેલા આ ગામમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ૧૦ કીલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળીયા આવેલા છે જેમાં થી બે ફળીયા ડુંગરની ઉપર વસેલા છે જ્યાં માત્ર પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળા ગામના બીજા ફળીયાથી ખુબ જ દૂર આવેલી છે. જેને લઈને ગામના ખીણ વિસ્તારના બાળકો અભ્યાસ અર્થે જઇ શકતા નથી અને તેઓને મજબૂરીએ આશ્રમ શાળા અથવા સગા સબંધીને ત્યાં ભણવા માટે મજબૂર થવું પડે છે.
ડુંગરોની વચ્ચે આવેલુ ગામ
તુરખેડા ગામ વિંધ્યાચળ પર્વતમાળાના ડુંગરોની વચ્ચે આવેલું છે ગામમાં આંતરિક રસ્તા નથી. જેને લઈને સરકારની કોઈ સુવિધા હજુ સુધી અહીયા પહોચી નથી.ગામના આંતરીક રસ્તા છોડો અહીયાં કાચો રસ્તો પણ નથી, માત્ર પગદંડી રસ્તો છે અને તે પણ ડુંગરાળ વિસ્તારમાં, જ્યાથી ગ્રામજનોને અવરજવર કરવી પડે છે. અને હાલ ચોમાસા દરમીયાન તો ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊચકીને ૪ કીલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવા પડે છે.
તૂટેલા છે રસ્તાઓ
બે મહિના પહેલા જ ગામની એક દીકરીને પ્રસુતિની પીડા ઉપડી ત્યારે તેને સ્થાનિક લોકોએ ઝોળી બનાવીને ઉંચકીને ખીણમાંથી ડુંગરી ખૂંદીને ગામની બહાર લાવ્યા હતા ત્યાંથી વર્ષો પહેલા બનેલા તૂટેલા રસ્તા ચાર કિલોમીટર ચાલીને ખડલા લઈ જઈને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને પ્રસુતિ કરાવી હતી. ઘણીવાર આવી રીતે ઝોળીમાં નાખીને ઉંચકીને લઈ જવામાં સમયસર પહોચી જવાય તો સારવાર મળી જાય છે નહી તો મોડા પડવાને કારણે મોત પણ થઈ જાય છે.
સરપંચ પણ દેખાતા નથી
ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોચી નથી અને જેને કારણે ગ્રામજનો આજે ૨૧ મી સદીમાં ૧૮ મી સદીમાં રહેતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. આટલું તો ઠીક ગામમાં આજદીન સુધી કોઈ નેતા ધારાસભ્ય, સાંસદ કે અન્ય કોઈ નેતા આવ્યા નથી માત્ર સરપંચ અને તે પણ ૫ વર્ષે મત લેવા માટે દેખાય છે.
મહિલાઓને પડે છે તકલીફ
તુરખેડા ગામ ડુંગરાળ વિસ્તારમાં અવસેલું ગામ છે જ્યાં ગામમાં આંતરીક રસ્તાઓ પણ નથી જેને લઈને ગામની મહીલાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળામાં પાણી નર્મદાનું પાણી ઉતરી જતાં બે કીલોમીટર દૂર ચાલી ચાલીને માથે બેડા મૂકીને પાણી લેવા માટે જવું પડે છે. જ્યારે હાલ ચોમાસામાં નર્મદાનું પાણી ગામના બે ફળીયામાં અંદર સુધી આવી જતા એકબીજાના ઘેર જવાની પણ મુશ્કેલી પડી ગઈ છે, ઘરે જવાની વાત તો દૂર, ખેડૂતો સામે છેડે આવેલા પોતાના ખેતરમાં ખેતી કરવા માટે પણ જઈ શકતા નથી, જેને લઇને સ્થાનિક લોકો લાકડાના પાટિયાથી બનાવેલ તરાપાનો ઉપયોગ ડરતા ડરતા કરી રહ્યા છે, કારણકે તરાપો લઇને જતા નર્મદા નદીના મગર ગામે ત્યારે હુમલો કરી શકે તેવો ડર હંમેશા સતાવતો રહે છે.
રોડનો અભાવ
રસ્તાના અભાવને કારણે ક્યારેક ખાવા બનાવવા માટે લોટ જોઈએ તો તેને દળાવવા માટે પણ ડુંગરો ખૂંદીને ઉબડ ખાબડ રસ્તા પર ચાલતા જવું પડે છે. જ્યારે કેટલાક લોકો ઘરે જ પથ્થરની ઘંટી રાખે છે જેઓ અનાજ દળે છે.ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહી હોવાને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલ ચોમાસામાં સ્થાનિક લોકો પગદંડી રસ્તા પરથી ચાલીને પસાર થઈ રહ્યા છે, અગાઉ ગ્રામજનોએ કંટાળીને પોતાની જાતે ફંડ ફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવાનો રસ્તો ડુંગરને ચીરીને બનાવ્યો હતો. જે હાલ ચોમસમાં બગડી જતાં વરસાદ બંધ થયા પછી ફરીથી બનાવવા કામે લાગશે.
જીંદગી જીવવા કરતાં વિસ્થાપીત થવાનું નક્કી
ગ્રામજનોએ વારંવાર વહીવટી તંત્ર સુધી પોતાની વાત પહોચાડી છે પરંતુ તેનો આજદીન સુધી કોઈ નિકાલ નથી આવ્યો, અરે આટલું તો ઠીક ગ્રામજનોએ આવી જીંદગી જીવવા કરતાં વિસ્થાપીત થવાનું નક્કી કરીને પોતાને વિસ્થાપિત કરવા માટે પણ માંગણી કરી છેઃ અને તેને માટે કેવડીયા ખાતે ૧ વર્ષ અને ૩ દીવસના ઉપવાસ પણ કર્યા હતા તેમ છતાય કોઈ પરીણામ નથી આવ્યું જેને પરીણામે ગ્રામજનો આજે પણ પ્રાથમીક સુવિધા વિના જ પોતાનું જીવન ગુજારી રહ્યા છે.સરકારના વિકાસના દાવા તુરખેડાના ગ્રામજનો સુધી હજુ પહોચ્યા, મોટા મોટા દાવાઓ કરનારી ગુજરાતની સરકાર તુરખેડામાં વિકાસ ક્યારે કરશે તે જોવું રહ્યું.
Source link