રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં એક સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે ઓર્ગેનાઈઝ્ડ ગેંગ કાર્યરત છે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા સાધુને ખુબ મોટી જમીન લેવાની વાત કરી ખેડૂત પાસેથી જમીન ખરીદાવીને ઉંચા ભાવે સાધુને વેચાવી આપવાની લાલચ આપી રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ છે.
ગેંગના તમામ સભ્યોને કડકમાં કડક સજા થાય
આ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી ક૨વામાં આવી રહી હોવાની ગંભીર બાબતો ધ્યાને આવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે ગુના આચરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ અંગે તલસ્પર્શી તપાસ થાય અને ગેંગના તમામ સભ્યોને કડકમાં કડક સજા થાય તે ઉદ્દેશ સાથે સીઆઈડી ક્રાઈમને સમગ્ર કેસોની તપાસ સોંપવા નિર્ણય લીધો છે.
મોટુ રોકાણ કરી શકે તેવા વ્યક્તિને આઈડેન્ટીફાય કરવામાં આવે છે
આ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ દ્વારા આચરવામાં આવતી મોડસ ઓપરેન્ડી એવી છે કે સૌપ્રથમ આ ગેંગના સભ્યો દ્વારા કોઈ જમીન ખરીદ-વેચાણમાં ઉત્સુક હોય અને મોટુ રોકાણ કરી શકે તેવા વ્યક્તિને આઈડેન્ટીફાય કરવામાં આવે છે. ત્યારબાદ તેમને કોઈ ચોક્કસ ગામમાં 200, 300 કે 400 વિઘા જગ્યા બતાવવામાં આવે છે. ત્યારબાદ ગેંગના સભ્યો દ્વારા કહેવામાં આવે છે કે ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા માટે જગ્યા જોઈએ છે. સાધુ ખેડૂત પાસેથી સીધા ખરીદવા નથી માગતા તેમજ અમે ખરીદીને સાધુને વેચીએ તો સાધુ ઉપર આક્ષેપ થાય. જેથી ભોગ બનનાર આ જમીન ખરીદી કરી સાધુને વેચે તો સાધુ ઉંચા ભાવે ખરીદશે અને મોટો લાભ થશે એવી લાલચ આપવામાં આવે છે.
ત્યારબાદ આ ટોળકીના કેટલાક સભ્યો ભોગ બનનાર સાથે એમ.ઓ.યુ. કરીને જમીન ભોગ બનનારને ખરીદાવી તે જ જમીન ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપે છે અને બાનાખત માટે અમુક રકમ આપવા માટે કહી છેતરપિંડી આચરે છે. ભોગ બનનારને વિશ્વાસ બેસે તે માટે સાધુ તેમની સાથે મુલાકાત કરે છે. એક વાર છેતરપિંડી થઈ ગયા બાદ ખેડૂત જમીન વેચવાની ના પાડે છે તેવુ કહી પૈસા પાછા આપવાની આનાકાની કરે છે. ભોગ બનનાર વધુ પ્રેશર કરે તો ટુકડે ટુકડે થોડાક રૂપિયા ૫રત કરે અને સમય વ્યથિત કરે છે.
અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ
આ બાબતે રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે તેમજ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થયેલા ગુનાઓ સંદર્ભે અરજીઓ તપાસ અર્થે આપવામાં આવેલી છે. આ ટોળકીઓને નેસ્ત-નાબુદ ક૨વા વિવિધ જીલ્લાઓમાં ગુનાઓ દાખલ કરી રાજ્ય સ્તરે સીઆઈડી ક્રાઈમને તમામ ગુનાઓની એક સાથે તપાસ સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, નારણપુરા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન, ધાંધુકા પોલીસ સ્ટેશન, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વઢવાણ સહિતના વિસ્તારોમાં પોલીસ ફરિયાદ તેમજ અરજીઓ ભોગ બનનાર નિર્દોષ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે.
Source link