GUJARAT

Surat: ઈમ્પોર્ટ એક્સપોર્ટના નામે છેતરપિંડી આચરનાર દંપતીની ધરપકડ

ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતરની લોભામણી સ્કીમ નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા 13 લાખ પડાવી છેતરપિંડી આચરનાર દંપતીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે. દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હોવાથી પોલીસે મહિલાના પતિની ઘરપકડ કરી હતી. જે બાદ એક પોલીસ અધિકારીની ઓળખાણના કારણે રૂપિયા 3 લાખમાં સમાધાન કરી જેલમુક્ત કરાવ્યો હોવાની વાત ઉપજાવી નાખી હતી. પરંતુ ત્યારબાદ વધુ રૂપિયાની વીમા એજન્ટ પાસે માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વીમા એજન્ટની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ભેસ્તાન પોલીસે ઠગ દંપતીની ધરપકડ કરી

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. જ્યાં સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોંચતા પોલીસે ઠગ દંપતીની ધરપકડ કરી હતી. ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા. જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારકનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યાનુસાર, વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા રવી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળાના ઘણા સમયથી સંપર્કમાં છે. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે. દરમ્યાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનાં નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવી હતી. વિશ્વાસ અને ભરોસામાં આવેલા વીમા એજન્ટે 10 લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે દંપતીને આપ્યા હતા.

લાખોની રકમ પડાવી લીધા બાદ આ વિક્કી જરીવાળાની પત્ની ક્રિશ્ના જરીવાળાએ વીમા એજન્ટના મોબાઈલ whatsapp નંબર પર એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીના પતિને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ વીમા એજન્ટે રૂબરૂમાં આવી વિકી જરીવાળાની પત્ની જોડે વાતચીત કરી હતી. બે દિવસ બાદ વિકી જરીવાળા વીમા એજન્ટ મૂલ્હાસભાઈને મળ્યો હતો. જ્યાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી. જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો અને આ શખ્સની સુરત એસોજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તેઓ દ્વારા જે રકમ આંગડિયા પેઢી અને બેન્ક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી તેના કારણે પરિવારના સભ્યોના નામ પણ સામે આવી શકે છે. જેથી એક પોલીસ અધિકારીની ભલામણથી એસઓજી પીઆઈ જોડે વાતચીત કરતા છોડી મુકાયો હતો. પરંતુ હવે રૂપિયા ત્રણ લાખ માંગી રહ્યા છે. જે રકમ તેઓને આપવી પડશે. આમ વધું ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી હતી.

દંપતી દ્વારા વીમા એજન્ટ પાસેથી કુલ રૂપિયા 13,00,000 જેટલી રકમ પડાવી લીધા છતાં આ માંગણી આગળ પણ ચાલુ હતી. વારંવાર પોલીસના નામે રૂપિયાની સતત માંગણી કરતા વીમા એજન્ટને શંકા ગઈ હતી. જેથી વીમા એજન્ટે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વીમા એજન્ટની ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી સૌપ્રથમ આરોપી વીકી જરીવાળા અને ત્યારબાદ તેની પત્ની ક્રિષ્ના જરીવાળાની ધરપકડ કરી હતી. ભેસ્તાન પોલીસ દ્વારા હાલ આ દંપતિની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી ઠગબાજ પતિ ને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. જ્યારે તેની પત્ની ક્રિષ્ના જરીવાળાની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ જોડે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ દંપતીએ પોતાના પરિચિત વીમા એજન્ટ જોડે જ લાખોની છેતરપિંડી આંચરી છે. જેમાં મિત્રતાની અંદર મોટો વિશ્વાસઘાત દંપતી દ્વારા કરાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button