વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતેનો કાર્યક્રમ પૂરો કરીને સીધા રાજભવન પહોંચ્યા છે. ત્યાં તેઓ 3 કલાક સુધી વન ટુ વન બેઠકો કરશે. એવું જાણવા મળી રહ્યું છે કે આ ત્રણ કલાક સુધીમાં મંત્રીઓ અને નેતાઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ ત્રણ કલાકનો સમય રાજકીય મુલાકાતો માટે અનામત રાખવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ગઈકાલે સાંજથી વડાપ્રધાન ગુજરાત આવ્યા છે અને આવતીકાલે 17 તારીખે સવારે દિલ્હી ખાતે જશે. જો કે, 41 કલાકની ગુજરાતની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટના ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા છે. પરંતુ બધાની નજર રાજભવનમાં યોજાનારી બેઠકો પર રહી છે. આખરે આ બેઠકમાં એવું તો શું થશે કે જે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે.
પીએમ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી
વડાપ્રધાન મોદીએ ગુજરાત આવ્યા બાદ વડસર પહોંચ્યા હતા ત્યારબાદ રાજભવન રોકામ કર્યું હતું. રાજભવન પહોંચ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. 16 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠક યોજાઈ હતી. ત્યારે સોમનાથ ટ્રસ્ટના સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંદિરનાં વિકાસલક્ષી કાર્યોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
સતત બે દિવસ સાંજે બેઠકોનો દોર ચાલશે
વડાપ્રધાન ગુજરાતમાં 15 સપ્ટેમ્બરની સાંજના સમયે આવ્યા છે. 15 તારીખે સાંજે વડસર ખાતે એરફોર્સના ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ સાંજે રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાજભવન ખાતે વડાપ્રધાન રાત્રીરોકાણ કર્યું હતું.
મંત્રીઓ સાથે વિભાગીય સમીક્ષા કરી શકે છે
વડાપ્રધાન ગુજરાતના છે, ત્યારે સ્વાભાવિક છે કે, ગુજરાતમાં થઈ રહેલી હિલચાલ પર પણ સીધી જ નજર રાખે છે, ત્યારે ગુજરાત સરકારની કામગીરી અંગે પણ વડાપ્રધાન બારીકાઈથી માહિતગાર થઈ શકે છે. વડાપ્રધાન વિવિધ વિભાગના મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે અને સરકારની કામગીરીની સમીક્ષા હાથ ધરી શકે છે.
આગામી મોટા પ્રોજેક્ટ અંગે ચર્ચા
દેશમાં ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હાલ ચાલી રહેલા વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ તેમજ આગામી સમયમાં આકાર પામનાર પ્રોજેક્ટ અંગે પણ વિચાર વિમર્શ કરી અને માર્ગદર્શન આપી શકે છે.
PMOમાં મુલાકાત ન કરી શકનારા લોકો સાથે પણ મુલાકાત કરી શકે
સ્વાભાવિક છે કે, વડાપ્રધાન ગુજરાતના વતની છે ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દિલ્હી ખાતે વડાપ્રધાન કાર્યાલય તેમજ વડાપ્રધાન નિવાસ ખાતે મુલાકાત માટે જતા હોય છે. જોકે, કેટલાક સંજોગોમાં દિલ્હી ખાતે મુલાકાત ન કરી શકનારા લોકોને ગુજરાત રાજભવન ખાતે PM મોદી બે દિવસીય પ્રવાસ દરમિયાન મુલાકાત આપી શકે છે.
તાજેતરમાં બનેલી ઘટનાઓનો ચિતાર રજૂ થઈ શકે છે
ગુજરાતમાં હાલ ચારે તરફ અશાંતિનો માહોલ છે. જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઊભા થયા છે, ત્યારે ચોક્કસ ધારાસભ્યોને પણ વડાપ્રધાન રૂબરૂ બોલાવી તેમની સાથે વિગતવાર વાત કરી જે તે વિસ્તારની સ્થિતિ અંગે ચીવટપૂર્વક માહિતી મેળવી શકે છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત પાલન માટે પણ માર્ગદર્શન આપી શકે છે.
Source link