ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામમાં ખેતરમાં અજાણ્યા શખ્સે એક ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. કુહાડી અને લાકડાના ડંડા વડે મહિલાને ખેતરમાં મારમારી મોતને ઘાટ ઉતારી દીધી છે. ત્યારે આ મામલે ડાકોર પોલીસે કુહાડી અને લાકડાનો ડંડો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બે વર્ષ અગાઉ જ થયા હતા લગ્ન
આગરવા ગામે 22 વર્ષીય નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદા રહે છે. તેઓ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના લગ્ન બે વર્ષ અગાઉ જ મહુધા તાલુકાના ઉંદરા ગામની 20 વર્ષિય યુવતી કવિતા સાથે થયા હતા. હાલ કવિતા ગર્ભવતી હતી અને 8-9 મહિનાનો તેણીને ગર્ભ હતો.
ગઈકાલે તેમના પતિ રાહુલ ગામના છોટુભાઈ જમાદારનું ખેતર આવેલું છે ત્યાં કાકડી વીણવાની હોવાના કારણે સવારના આશરે સાડા છ વાગે તે તથા તેના પિતા અને મોટાભાઈ સુરેશ ત્રણેય જણા આ ખેતરમાં કાકડી વીણવા ગયેલા હતા. કાકડી વીણીને રાહુલના પિતા ડાકોર વેચવા માટે આવ્યા હતા અને રાહુલ પણ નોકરીએ જવા નીકળ્યો હતો.
કૌટુંબિક કાકાના દીકરાએ મહિલાના પતિને કરી જાણ
પતિ રાહુલ ઉર્ફે નગીન પોતાની નોકરીએ હતો, ત્યારે તેઓના કૌટુંબિક કાકાના દીકરાએ ફોન કરી રાહુલને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતુ અને રાહુલ નોકરીએથી તરત જ ઘરે આવી ગયો હતો. જે બાદ છોટુભાઈ જમાદારના ખેતરમાં ગયા હતા. ત્યાં ટોળુ જોઈ તે ચિંતામાં પ્રસરી ગયો હતો તો બાજુમાં તેની પત્ની કવિતા સુવાડાવેલી હતી અને તેણી મૃત હાલતમાં હતી. કવિતાને લોહી લુહાણ હાલતમાં જોઈ રાહુલ સ્તબ્ધ થઈ ગયો હતો.
ઘટનાસ્થળની આસપાસથી લાકડાનો દંડો મળ્યો
પત્નીના કપાળના જમણી બાજુની આંખની ફરતે લોહી જામી ગયુ હોવાના કારણે કાળો ડાઘ પડી ગયો હતો અને માથાની ડાબી તરફ કાન પાસે મોટો ઘા હતો. તેમાંથી લોહી નિકળતું હતું. કવિતાની લાશ જે જગ્યાએ પડેલી તેની આજુબાજુમાં ત્યાં હાજર લોકોએ તપાસ કરતા નજીક આવેલા ઝાડ પાસે લાકડાનો એક દંડો પડેલો હતો અને તેના પર લોહીના ડાઘા હતા. સાથે જ લાશની પાસે નજીકમાં એક કુહાડી પડેલી જોવા મળી હતી. જેથી માલુમ પડ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ માથામાં કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારથી તેમજ કપાળના ભાગે લાકડાનો દંડો મારી ગંભીર ઈજા કરી તેણીનું મોત નીપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી
આ ઘટના મામલે ડાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાકડાનો ડંડો અને કુહાડી કબ્જે લઈને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી. પોલીસે નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદાની ફરિયાદને લઈ હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને પકડવા માટે વિવિધ દિશામાં તપાસ આદરી છે.
આ બનાવ બાબતે ફસ્ટ પર્સન એવા રાહુલના કૌટુંબિક કાકાના દીકરા મેહુલ દેવડાએ જણાવ્યું કે, ‘હું મારી ભેંસો ચરાવવા બ્રાહ્મણવાળા ખેતરમાં ગયેલો અને ભેંસો ચરાવી બપોરના આશરે પોણા ત્રણેક વાગે હું પરત મારા ઘરે જતો હતો. તે વખતે મને તરસ લાગી હોવાથી તમારા ખેતરમાં બનાવેલા ઝુંપડામાં પાણી પીવા ગયો ત્યારે કવિતા ભાભી ઉંધી હાલતમાં જમીન પર પડેલ હતા. જેથી મેં તેમની નજીક જઈને જોયું તો તેમના ચેહરા પર લોહી ચોંટેલુ હતુ અને માથાના પાછળના ભાગે પણ લોહી નિકળતુ હતું. જેથી મેં તેઓને જગાડવાનો પ્રયત્ન કરતા તેઓ જાગ્યા નહીં અને તેઓના શ્વાસોશ્વાસ બંધ જણાતા’ અન્ય કૌટુંબિક લોકોને જાણ કરી હતી.
Source link