હેપ્પિએસ્ટ પ્લેસ ટુ વર્ક દ્વારા તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય વર્કફોર્સના 70 ટકા કામદારો પોતાની નોકરીથી સંતુષ્ટ નથી.
રિપોર્ટને ટાંકીને જણાવાયું હતું કે આ અહેવાલ દર્શાવે છે કે સમાન વય જૂથના હોવા છતાં લોકોમાં ખુશીનું સ્તર અલગ-અલગ જોવા મળ્યું હતું. કાર્યની સંસ્કૃતિ, વાતાવરણ અને અંગત સંજોગો જેવા પરિબળો કાર્યના સ્થળે કર્મચારીના સંતોષને પ્રભાવિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભ્યાસમા હેપ્પીનેસના સ્તરમાં નોંધપાત્ર લિંગ અને ભૌગોલિક વિસંગતીઓ જોવા મળી હતી. પૂર્વ અને મધ્ય ક્ષેત્રોમાં મહિલાઓમાં પોતાની નોકરી પ્રત્યે સંતોષનું ઊંચું સ્તર જોવા મળ્યું હતું, જ્યારે ઉત્તર ક્ષેત્રના પુરુષો પોતાની નોકરીથી પ્રમાણમાં ખુશ હતા. વિવિધ ઉદ્યોગોમાં ફિનટેક સેક્ટરને સૌથી વધારે ખુશ સેક્ટર ગણાવાયું હતું. રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે 54 ટકા જેટલા કર્મચારીઓ પોતાની વર્તમાન નોકરીને છોડવાની વિચારણા કરી રહ્યા છે. અંગત પ્રોત્સાહનનો અભાવ તેમજ અપૂરતી સપોર્ટ સિસ્ટમ આ ટ્રેન્ડ પાછળ જવાબદાર મનાય છે. જોકે, જેમને કામના સ્થળે સમર્થનકારી કાર્ય વાતાવરણ પ્રાપ્ત છે અને જેઓને તેના વ્યક્તિગત રસના ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરાય છે તેવા કર્મચારીઓ પૈકીના 60 ટકા પોતાની વર્તમાન નોકરી છોડે તેની સંભાવના ખૂબ ઓછી છે.
ખુશ કર્મચારી વધુ ઉત્પાદક હોય છે: આ રિપોર્ટ પર ટિપ્પણી કરતા આરપીજી ગ્રૂપના હર્ષ ગોએન્કાએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ એક જરૂરી હકીકતને રેખાંકિત કરે છે. ખુશ કર્મચારીઓ વધારે ઉત્પાદક, વધુ એન્ગેજ્ડ અને પોતાના સંગઠન પ્રત્યે વધારે પ્રતિબદ્ધ હોય છે. નવી પેઢીના કર્મચારી જોબ ચેન્જ કરવાની વધુ વૃત્તિ ધરાવે છે. 59 ટકા આવી વિચારણા કરી રહ્યા છે. 63 ટકા કર્મચારીઓએ વિખવાદોને કારમે ટીમવર્કમાં મુશ્કેલીનો સામનો કરતા હતા, જ્યારે 62 ટકા કર્મચારીઓ પોતાના મતને મુક્તપણે વ્યક્ત કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે.
Source link