GUJARAT

Surat ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીની કરી ધરપકડ, ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે, આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

હિમાંશુ રાય લોકોને પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપતો

એવિએશનમાં ડિપ્લોમા ધરાવનાર બેરોજગાર યુવક હિમાંશુ રાય લોકોને પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપતો હતો. ગુજરાત સિવાય તે ગોવા અને દિલ્હી ખાતે રહેતો હતો. તેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કર્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે વરાછા ખાતેથી એક આવા વ્યક્તિની ધરપકડ કરી છે કે જે પોતાને કસ્ટમ અધિકારી જણાવે છે. હિમાંશુ રમેશ રાય નામનો વ્યક્તિ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે. પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી, ત્યારે તેને જણાવ્યું કે તેને નાનપણથી આર્મીના ઓફિસર બનવાનું સપનું હતું.

અલગ અલગ લોકો સાથે છેતરપિંડી આચરી

લોકોમાં રોફ જમાવવા તે ગોવા, દિલ્હી અને અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમનું સિનિયર ઈન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીની અર્ટિગા ગાડીમાં લગાડીને ફરતો હતો. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને યુવક લોકોને પોતે સેલ્સ ટેક્સનો સિનિયર ઈન્સ્પેક્ટર છે તેવી ખોટી ઓળખ આપતો હતો અને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતો હતો.

અગાઉ આરોપી વિરૂદ્ધ નોંધાઈ ચૂકી છે ફરિયાદ

માત્ર 25 વર્ષની ઉંમરમાં આરોપીએ ભારત સરકારના અલગ અલગ હોદ્દાઓનો સ્વાંગ રચીને લોકોને નોકરી આપવા તેમજ ખોટી રીતે રેડ કરવાની ધમકીઓ આપીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. નકલી ઓફિસરની સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં અગાઉ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન મથકમાં તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી વડોદરા ખાતેથી એવિએશનમાં ડિપ્લોમા ધરાવે છે, આરોપી અગાઉ ગોવા તથા દિલ્હી ખાતે રહેતો હતો.

આ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઈન્કમટેક્સ અધિકારીની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતો હતો. આરોપી પાસેથી એક એર ગન, એક સફેદ કલરની અર્ટીગા ગાડી, એક આઈ કાર્ડ, એક “CSIC COMMANDO “ લખેલી બે સ્ટાર વાળી વર્દી, એક CSICનો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button