ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જે ગુરુવારથી શરૂ થઈ છે. પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે હતો અને તેનું મુખ્ય કારણ રવિચંદ્રન અશ્વિન હતો. આ પીચ પર જ્યાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા, ત્યાં અશ્વિને શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી હતી.
અશ્વીને ફટકારી કરિયરની 6ઠ્ઠી સદી
અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. પ્રથમ દિવસની રમતના અંતે તે અણનમ 102 રન બનાવીને પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પણ અશ્વિનને ખૂબ જ સારો સાથ આપ્યો હતો અને તે અણનમ 86 રન બનાવીને ક્રિઝ પર રહ્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી લીધા હતા. અશ્વિને તેની સદીથી ચાહકોનું દિલ જીતી લીધું છે અને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
અશ્વિને આ ખાસ ક્લબમાં જગ્યા બનાવી
આર અશ્વિન એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે ભારતમાં 7મા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારી છે. આ લિસ્ટમાં તેના સિવાય કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની પણ છે. આ બંને મહાન ખેલાડીઓએ ભારતમાં 4 સદી ફટકારી છે. આ સાથે જ હવે અશ્વિને પણ આ દિગ્ગજોની બરાબરી કરી લીધી છે. આ સિવાય અશ્વિનની ટેસ્ટ કરિયરની આ સૌથી ઝડપી સદી છે. તેણે પોતાની છઠ્ઠી સદી માત્ર 108 બોલમાં પૂરી કરી હતી.
અશ્વિન ડેનિયલ વેટોરીની બરાબરી
અશ્વિને વેટ્ટોરીની બરાબરી કરી લીધી છે. ટેસ્ટમાં 8મા નંબરે બેટિંગ કરીને તે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન અને વેટ્ટોરીએ આઠમા નંબરે બેટિંગ કરતા 4-4 સદી ફટકારી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ બીજા સ્થાને છે. તેણે ત્રણ સદી ફટકારી છે.