GUJARAT

Surendranagar: તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ! વહીવટી તંત્રે નોટિસ પાઠવી

સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાઓ અને લોકસંસ્કૃતિની ઝાંખી કરાવતો તરણેતરનો મેળો હાલમાં જ પૂર્ણ થયો છે. ત્યારે હવે આ મેળાની ગરિમા અને મર્યાદાની હાંસી ઉડાવતો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેળામાં સૌરાષ્ટ્ર અને પાંચાળની સંસ્કૃતિને જોવા અને માણવા માટે દેશ વિદેશથી લોકો આવે છે અને મહાદેવના સાનિધ્યમાં ભરાતા આ મેળામાં અશ્લીલ ડાન્સના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

સૌરાષ્ટ્રમાં મેળાઓની આગવી પરંપરાઓ રહી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિના દર્શન માટેનો શિરમોર મેળો ગણાય છે. ઋષિ પરંપરાઓની ફળશ્રુતિ રૂપે અને ભાતીગળ પરંપરાઓ સાથે તરણેતર ખાતે મેળો ભરાય છે. સૌરાષ્ટ્ર અને તેમાંય ખાસ કરીને પાંચાળ પ્રદેશની સંસ્કૃતિના દર્શન થાય છે. ભાતીગળ છત્રીઓ, આભલા-ભરત ભરેલા પોશાકો, હુડો, રાસડા, દુહા-છંદ સહિત અનેક બાબતોએ આ મેળો મુલાકાતીઓને આકર્ષે છે. પણ આ વર્ષે આ મેળાની ગરિમાને લાંછન લગાડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં રોષ

તરણેતરના મેળામાં તેની સાંસ્કૃતિક ધરોહર જળવાય રહે તે માટે ખુદ સરકાર જ અઢળક પ્રયત્નો કરી રહી છે. ભલે મૂળ મેળાની જગ્યાએ અહી સમયની સાથે પરિવર્તનો આવ્યા છે, પરંતુ આ પરિવર્તનોમાં ક્યાંય મેળાની ગરિમાને હાનિ નથી પહોંચી. જ્યારે આ વર્ષે પ્રથમ વખત તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભોજપુરી ડાન્સરો ડાન્સ કરતી જોવા મળી હતી.

આ મામલે પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જ્યારે આ અંગે અધિક કલેકટરે જણાવ્યું છે કે ‘હાલ વાયરલ થઈ રહેલા વીડિયોની પુષ્ટિ કરવામાં આવશે અને તે જાણવામાં આવશે કે વીડીયોમાં છેડછાડ કરાઈ છે કે ઓરિજિનલ વીડિયો છે. વિડીયોની પૃષ્ટી કર્યા બાદ જો આ મામલે પ્લોટના ધારકો અને પ્લોટ અને રાઇડ્સના માલિકોની સંડોવણી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તરણેતરના મેળામાં ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીની પ્રતિક્રિયા

આ બાબતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કોઇએ અશ્લીલ ડાન્સ કર્યો હશે તો કાર્યવાહી થશે. મુખ્ય સ્ટેજ પર આ પ્રકારના ડાન્સ થયા નથી. સ્થાનિક કલાકારો સંસ્કૃતિને ધ્યાનમાં રાખે છે. શિવ વંદના, ડાક ડમરુ જેવા કાર્યક્રમો થાય છે. પરંપરાગત મેળામાં ડાન્સનો કોઇ પ્રોગ્રામ થયો નથી. આ મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button