થાનમાં રહેતા ખેડૂતે મુળીના રામપરડાના શખ્સ પાસેથી 2 વર્ષ પહેલા રૂ. 11 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજ અને મુદ્દલ સહિત રૂ. 24 લાખ આપી દીધા હતા. તેમ છતાં ર શખ્સોએ ખેડૂતને ધમકી આપી રૂ. 30 લાખની માંગણી કરી ખેડૂતની થાર કાર પડાવી લીધાની મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
થાનની જય અંબે સોસાયટીમાં રહેતા 27 વર્ષીય મેરૂભાઈ બાવજીભાઈ ઉકડીયા ખેતી કરે છે. તેઓએ બે વર્ષ પહેલા મૂળીના રામપરડાના મધુભાઈ ભીખુભાઈ કરપડા પાસેથી રૂ. 11 લાખ વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજ અને મુદ્દલ સહિત રૂ. 24 લાખ તેઓએ ચૂકવી દીધા હતા. તેમ છતાં મધુભાઈ અવારનવાર રૂ. 30 લાખની માંગણી કરતા હતા. ગત તા. 17 સપ્ટેમ્બરના રોજ મેરૂભાઈ પોતાની થાર કાર લઈને મિત્ર સંજય સોમજીભાઈ વીંઝવાડીયાને સાથે લઈ સુરેન્દ્રનગર કારની સર્વીસ કરાવવા આવ્યા હતા. જયાંથી સાંજે પરત થાન જતા હતા. ત્યારે મૂળીના ગઢાદ પાસે સામેથી મધુભાઈ ભીખુભાઈ કરપડા અને ચાંપરાજભાઈ જીલુભાઈ બોરીચા બ્રેઝા કાર લઈને આવ્યા હતા. અને મેરૂભાઈની કાર ઉભી રખાવી રૂ. 30 લાખની માંગણી કરી હતી. અને લોખંડનો પાઈપ ધારણ કરી અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી થાર કારની ચાવી પડાવી લીધી હતી. બાદમાં મધુભાઈ થાર કાર લઈને તથા ચાંપરાજભાઈ બ્રેઝા લઈને જતા રહ્યા હતા. બનાવની નાણા ધીરધારની કલમો સાથે મેરૂભાઈએ મૂળી પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે.
Source link