Champions League football: ગાર્સિયાને 11મી મિનિટે રેડ કાર્ડ, મોનાકોએ બાર્સેલોનાને 2-1થી હરાવ્યું
ડિફેન્ડર એરિક ગાર્સિયાને મુકાબલાની 11મી મિનિટે મળેલું સીધું રેડ કાર્ડ બાદ મોનાકો સામે 2-1થી પરાજય મળતા બાર્સેલોનાએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં પોતાના અભિયાનનો નિરાશાજનક પ્રારંભ કર્યો હતો. સ્ટેડ લૂઇસ-2 સ્ટેડિયમમાં રમાયેલી મેચની શરૂઆતમાં ગાર્સિયાએ મોનાકોના તાકુમી મિનામિનો સામે જોખમી રીતે ફાઉલ કર્યો હતો.
બાર્સેલોનાને ત્યારબાદ 80 મિનિટ સુધી 10 ખેલાડીઓ વડે રમવાની ફરજ પડી હતી. યજમાન મોનાકોએ પાંચમી મિનિટે મેગ્નેસ એક્લિઓચેના એક નીચલા લેવલના શોટ દ્વારા નોંધાયેલા ગોલ વડે 1-0ની લીડ મેળવી હતી પરંતુ બાર્સેલોના માટે લેમિન યામલે 28મી મિનિટે પેનલ્ટી એરિયાના કોર્નર ઉપરથી ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. આ યામલનો ચેમ્પિયન્સ લીગમાં પ્રથમ ગોલ હતો. મોનાકોએ ગોલ કરવાના સતત પ્રયાસ જારી રાખ્યા હતા. 71મી મિનિટે સબસ્ટિટયૂટ ખેલાડી જ્યોર્જ ઇલેનિકેનાએ ટેર સ્ટેગનને પાછળ રાખીને ગોલ નોંધાવ્યો હતો. મોનાકોએ યુરોપની આ વિશેષ ક્લબ લીગમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત મોટી ટીમ સામે વિજય હાંસલ કર્યો હતો.
ચેમ્પિયન્સ લીગના અન્ય એક મુકાબલામાં આર્સનલના ગોલકીપર ડેવિડ રાયાએ શાનદાર ગોલકીપિંગનું પ્રદર્શન કરતા એટલાન્ટા સામેની મેચ 0-0થી ડ્રો રહી હતી અને બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો હતો. 51મી મિનિટે સ્પેનના રાયા માતેઓ રેટેગુઇની સ્પોટ કિકને રોકવા માટે રાયાએ શાનદાર ડાઇવ લગાવી હતી અને ત્યારબાદ ફોરવર્ડના ફોલોઅપ હેડરને પણ રોકી દીધો હતો.
Source link