GUJARAT

AMCનો ફૂડ વિભાગ હરકતમાં, બોડી ઓન કેમેરા સાથે કર્મચારીઓ કરશે રેડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ અને હેલ્થ વિભાગ ખાડે ગયું છે, જેને લઈને હવે ફૂડ વિભાગના અધિકારીઓને બોડી ઓન કેમેરા સાથે રેડ માટે મોકલવામાં આવશે, તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

ખાદ્ય પદાર્થમાંથી જીવાતો નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા

છેલ્લા ઘણા સમયથી ફરિયાદો મળી રહી છે કે શહેરમાં અનેક જગ્યાએથી ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી રહી છે અને ઘણી જગ્યાએ મૃત ગરોળી, વાળ કે જીવજંતુઓ ખોરાકમાંથી મળવાના અનેક બનાવ સામે આવી ચૂક્યા છે.

ફૂડ કર્મચારીઓ માટે બોડી ઓન કેમેરા લાવવાનો નિર્ણય

ત્યારે અમદાવાદમાં હવે ખાવું તો ખાવું શું અને ખાવું તો ક્યાં ખાવું? તેને લઈને એક પ્રશ્ન ઉઠી રહ્યો છે, કારણ કે 5 સ્ટાર હોટેલ હોય કે પછી લારી પરનું ફૂડ કોઈપણ જગ્યાએ એવુ નથી હોતું કે ત્યાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના કિસ્સા સામે ના આવ્યા હોય. જી હાં અને હવે તેને લઈને જ ફૂડ કર્મચારીઓ માટે બોડી ઓન કેમેરા લાવવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

બોડી ઓન કેમેરા સાથે જ કર્મચારીઓ વિક્રેતાઓને ત્યાં રેડ કરશે

અમદાવાદ શહેરમાં સ્થિતિ એ છે કે ફૂડ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ઓન રેકોર્ડ તો કહી દે છે કે કામગીરી કરી છે. પરંતુ શહેરમાં છાશવારે એવી બાબતો સામે આવે છે કે ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી કે ફૂગ વાળો ખોરાક નીકળે મરેલા ઉંદર નીકળે અને તેના કારણે AMCની આબરૂના ધજાગરા થતા હોવાના કારણે AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે બોડી ઓન કેમેરા સાથે જ કર્મચારીઓ રેડ કરવા જશે.

તંત્રએ પાણી પહેલા પાળ બાંધી

ઉલ્લેખનીય છે કે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો નજીક છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને ચોખ્ખું ફરસાણ અને મીઠાઈઓ મળી રહે તે ખુબ જ જરૂરી છે અને તેને લઈને જ તંત્રએ પાણી પહેલા પાળ બાંધી લીધી છે અને હવે ફૂડ વિભાગના અધિકારીઓ બોડી ઓન કેમેરા સાથે જ શહેરમાં અનેક વિક્રેતાઓને ત્યાં ફૂડની તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી પણ કરશે, જેના કારણે નિર્દોષ વ્યક્તિ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ આરોગવાનો ભોગ ના બને. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button