ગુજરાતમાં સ્થાનિક વિદ્યાર્થીઓ તો ઠીક પણ હવે તો વિદેશી વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત નથી. અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવેલી ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થીની પણ છેડતીની ઘટનાનો શિકાર બની છે.
છેડતીની ઘટના બનતા સમગ્ર મામલે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી
ગાંધીનગરના રાંચરડા ગામમાં આવેલી ઈન્ડ્સ યુનિવર્સિટીમાં અનેક વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંની એક વિદ્યાર્થીની જે પાપુઆ ન્યુ ગીની દેશની વતની છે તેની સાથે છેડતીની ઘટના બનતા સમગ્ર મામલે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓની જવાબદારી જે કન્સલ્ટિંગ ડિરેક્ટર મૃદંગ દવેને સોંપવામાં આવી હતી. જો કે 11 સપ્ટેમ્બરે ફરિયાદી યુવતીની PG હોસ્ટેલ નીચે જમવાનું લેવા ગઈ તે સમયે મૃદંગ દવેએ તેનો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા.
યુવતીના શરીરના અન્ય ભાગોમાં નજર કરી ગંદી વાતો કરી પરેશાન કરતા હોવાનો પણ આક્ષેપ
જેને લઈ યુવતી અને મૃદંગ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ ઘટના બાદ ફરિયાદી ગભરાઈ જતા તે તેના રૂમમાં દોડી ગઈ હતી. બીજા દિવસે સવારે યુવતીને મૃદંગ દવે દ્વારા કરેલા અડપલાંની વાત કોઈને કરશે તો મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. એટલું જ નહીં અવાર નવાર યુવતીના શરીરના અન્ય ભાગોમાં નજર કરી ગંદી વાતો કરી પરેશાન કરતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદીએ તેની ફરિયાદમાં કર્યો છે. જો કે આખરે કંટાળેલી વિદેશી વિદ્યાર્થીનીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
આરોપીને નોકરીમાં બરતરફ કરવામાં આવ્યો
આરોપી મૃદંગ દવે ઈન્ડસ યુનિવસિટીમાં છેલ્લા કેટલાય સમયથી કોર્ડીનેટર તરીકે કામ કરતો હતો અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભાષાકીય સંકલન કરી તેમની તમામ વ્યવસ્થા માટેની જવાબદારી તેને સોંપવામાં આવી હતી. જેને લઈને આરોપી તમામ વિદેશી વિદ્યાર્થીઓના ખાવાની તેમની રહેવાની તેમજ લોકલ સ્તરે કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખતો હતો. વિદ્યાર્થીનીની છેડતી બાદ વિદ્યાર્થીની આ ઘટના બાબતે યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી, જેના પગલે 14 સપ્ટેમ્બરે મૃદંગને સસ્પેન્ડ કરી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ છેડતીની ઘટના બાદ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે બોપલ પોલીસે અલગ અલગ વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધ્યા બાદ આરોપી મૃદંગ દવેની ધરપકડ બાદ બોપલ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેમાં આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે આવુ કૃત્ય કર્યું છે કે તેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરાશે.
Source link