કીમમાં ટ્રેન ઉથલાવવાના આંતકી કૃત્યની ચર્ચા વચ્ચે પશ્વિમ રેલવેના જ ત્રણ કર્મચારીઓએ 71 ઇલાસ્ટિક રેલ ક્લિપ અને બે ફીશ પ્લેટ કાઢી ટ્રેક પર મૂકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સિનિયર અને જુનિયર ટ્રેક મેન સુપરવાઈઝર અને 26 વર્ષિય કોન્ટ્રાક્ટ કર્મીએ ભેગાં મળી કાવતરાને અંજામ આપ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેણે સમગ્ર ઘટનાની રેલવેતંત્રને જાણ કરી એજ કર્મચારીઓએ આ કૃત્યને અંજામ આપ્યો હતો.
ગરીબ રથ જેવી ટ્રેનને અકસ્માતથી બચાવી દેશભરમાં વાહવાહી લૂંટી રાતોરાત ન્યૂઝ પેપર અને સોશિયલ મીડિયામાં હીરો બની જવા આ પ્લાન ઘડયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત ચોમાસું સિઝનમાં ગેંગમેનની નાઈટ ડયૂટી હોય છે. આ નાઈટ ડયૂટી પૂરી થયા બાદ એક દિવસ રજા આપવામાં આવે છે. આ રજામાં પરિવાર સાથે બહાર ફરવા જઈ શકાય છે. હવે નાઈટ પૂરી થતી હોવાથી આવી ઘટનાને અંજામ આપતા નાઈટ ડયૂટી એકાદ-બે મહિના લંબાઈ જાય તેવા ઈરાદાથી આ કૃત્યુ આચર્યુ હોવાની પણ સુભાષ પોદાર અને મનિષ મિસ્ત્રીએ કબૂલાત કરી છે. આ સમગ્ર હકીકતને પગલે પોલીસે સુભાષકુમાર ક્રિષદેવ પોદાર, મનિષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી, શુભમ જયપ્રકાશ જયસ્વાલની ધરપકડ કરી હતી. સુભાષ અને મનિષ ટ્રેક મેન સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. જ્યારે શુભમ કોન્ટ્રાક્ટ કર્મી છે. મોબાઈલમાંથી મળેલા વીડિયો-ફોટોએ કાવતરાખોરોનો ભાંડો ફોડયો
ગેંગમેન સુભાષ પોદારે 21મી સપ્ટેમ્બરને શનિવારે સવારે 5.20 કલાકે ત્રણ કાવતરાખોરોને ભાગતા જોયા હતા. પોલીસે સુભાષના મોબાઈલની કરેલી તપાસમાં વીડિયોનો સમય જોતાં 4.57 કલાકનો હોવાનું બતાવી રહ્યું હતું. તેવી જ રીતે મનિષ મિસ્ત્રીના મોબાઈલમાંથી સવારે 2.56 કલાક અને 2.57 કલાકે પાડેલા ફોટો મળ્યા હતા. આ ફોટો ડિલિટ કરયા હતા. હવે ફોટા અને વીડિયો વચ્ચે અઢી કલાકનો તફાવત હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઊઠી હતી.
સુભાષએ આપેલો 28 સેંકન્ડનો વીડિયો સવારે 4.57 કલાકે ઊતાર્યો
21મી સપ્ટેમ્બરના રોજ સવારે 5.20 કલાકે ઘટનાની જાણ કરનારા રેલકર્મી સુભાષ પોદારે પૂરાવારૂપે 28 સેંકન્ડનો એક વીડિયો પોતાના ઉપરી અધિકારીઓને મોકલાવ્યો હતો. આજ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. હવે 28 સેંકન્ડનો આ વાડિયો 5.20 કલાકે ઊતાર્યો હોવાનું સુભાષ જણાવી રહ્યું છે. જ્યારે સુભાષ પોદારના મોબાઈલની તપાસ કરાતા વીડિયોનો સમય 4 કલાક, 57 મિનિટ અને 26 સેંકન્ડ બતાવી રહ્યો છે.
Source link