GUJARAT

Ahemdabad: હાઈકોર્ટ એડ્વોકેટ એસો.ના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનના વકીલો વચ્ચેનો ગજગ્રાહ ફરી એકવાર સામે આવ્યો છે અને આ વખતે ખુદ હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ જે.ત્રિવેદી વિરુધ્ધ વિરોધનો વંટોળ ફુકાયો છે.વાત એટલે સુધી ચરમસીમાએ પહોંચી કે, ખુદ એસોસિયેશનના 64 સભ્યોએ સહી સાથેનો પત્ર હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનના ઉપપ્રમુખ વિરાટ પોપટને પાઠવી એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ જશવંતરાય ત્રિવેદીને તાત્કાલિક ધોરણે પ્રમુખપદેથી દૂર કરવા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી

નવા પ્રમુખની નિમણૂંક માટે જનરલ બોડીની બેઠક બોલાવવા ઉગ્ર માંગણી કરી છે. બીજીબાજુ, તા.14મી ઓકટોબરે જનરલ બોડીની બેઠક બોલાવાઇ અને એ જ દિવસે મતદાનનું પણ આયોજન કરાયું છે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની જનરલ બોડીની બેઠક બોલાવવા અને નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાન અંગે મેનેજીંગ કમીટીના વડા અને એસોસિયેશનના ઉપપ્રમુખ વિરાટ પોપટ સહિતના હોદ્દેદારોની બેઠકમાં આ અંગેનો વિધિવત્ ઠરાવ પણ પસાર કરી દેવાયો છે. ગુજરાત હાઇકોર્ટના 64 જેટલા વકીલ સભ્યોએ પોતાની સહી પાઠવેલા પત્ર મારફ્તે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનના પ્રમુખપદેથી તાત્કાલિક ધોરણે બ્રિજેશ જે.ત્રિવેદીને દૂર કરવાની ઉગ્ર માંગણી કરી હતી અને છેલ્લા આઠ મહિનાથી એસોસિયેશનના પ્રમુખ તરીકેની કામગીરી અને વર્તણૂંકને લઇ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. નારાજ સભ્યોએ પત્રમાં જણાવ્યું હતું કે, એસોસિયેશનના પ્રમુખ તરીકેના આઠ મહિનાના તેમના કાર્યકાળ દરમ્યાન બ્રિજેશ જે.ત્રિવેદીની વર્તન અને વર્તણૂંક ધ્યાને લેતાં તેઓ આ પદ પર રહેવા માટે એક દિવસ પણ લાયક ઠરતા નથી. તેમના કૃત્યો માત્ર આ પ્રતિષ્ઠિત એસોસિયેશનની કચેરીને તો ઝાંખપ લગાવે છે પરંતુ એસોસિયેશનની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડે છે. આ સંજોગોમાં એસોસિયેશનના પ્રમુખપદેથી બ્રિજેશ જે.ત્રિવેદીને તાત્કાલિક દૂર કરી નવા યોગ્ય ઉમદવારને પ્રમુખ બનાવવામાં આવે.

એસોસિયેશનના નારાજ સભ્યોના આ પત્રને પગલે એસોસિયેશનના ઉપપ્રમુખ અને મેનેજીંગ કમીટીના વડા વિરાટ પોપટની અધ્યક્ષતામાં આજરોજ અસાધારણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એસોસિયેશનના પ્રમુખપદેથી બ્રિજેશ જે.ત્રિવેદીને દૂર કરવા માટે તા.14મી ઓકટોબરે જનરલ બોડીની બેઠક બોલાવવાનો અને એ જ દિવસે સવારે 10-30 વાગ્યે હાઇકોર્ટ બાર રૂમ ખાતે મતદાનનો અગત્યનો નિર્ણય લેવાયો હતો. આ ચૂંટણી પ્રક્રિયા માટે નીલેશ એ.પંડયાને નોડલ ઓફ્સિર તરીકે નિયુકત કરવા અંગે પણ ઠરાવ પસાર કરાયો હતો. બીજીબાજુ, એસોસિયેશનના પ્રમુખ પદેથી બ્રિજેશ જે.ત્રિવેદીને દૂર કરવા માટે જનરલ બોડીની બેઠક બોલાવવા અને તા.14 ઓકટોબરે નવા પ્રમુખની વરણ માટે મતદાન અંગેના ઠરાવની કોપી હાઇકોર્ટના વકીલો અને અન્ય ગ્રુપ મેમ્બરમાં વાયરલ થઇ હતી. જેને લઇ હાઇકોર્ટ વકીલઆલમમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button