GUJARAT

Rajkot: દેરડી ગામમાં પાણીના સાંસા, 4 દિવસે 1 વાર આવે છે પાણી

સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે નળ તો પહોંચાડ્યા પણ તે નળમાં પાણી આવે છે કે નહીં તે ક્યારેય જોયું નહીં હોય. આવું જ પાણીથી વંચિત એક ગામ એટલે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાનું દેરડી ગામ. દેરડી ગામ 3500ની વસ્તી ધરાવતું ભાદર નદી કાંઠે વસેલુ ગામ છે.
પીવાના પાણી વગર ટળવળી રહ્યું છે દેરડી ગામ
દેરડી ગામ જેતપુરથી માત્ર ત્રણ કિમીના અંતરે જ આવેલુ હોવા છતાં પાયાની જરૂરીયાત એવા પાણીની સુવિધા બાબતે ખૂબ મોટું અંતર છે. હાલ સૌરાષ્ટ્રમાં સિઝનનો 150 ટકા જેટલો વરસાદ પડ્યો છતાંય દેરડી ગામ પીવાના પાણી વગર ટળવળી રહ્યું છે. ગામને અમરનગર જૂથ યોજનામાં આવતું ભાદર ડેમના પાણી સાથે ગામમાં આવેલ કુવાના પાણી બંને પાણીને એકઠું કરી ચાર દિવસે 45 મિનિટ જેટલા સમય દરમિયાન વિતરણ કરવામાં આવે છે.
દૂષિત પાણીથી લોકોને ચામડીના રોગોની સમસ્યા
જેમાં ગામમાં ઘણા ઘરો સુધી તો પાણી પહોંચતું પણ નથી અને સૌથી મોટી સમસ્યા તો ગામમાં આવેલ કુવાના પાણીની છે, ગામમાં રહેતા શિલ્પાબેન બારૈયા જણાવે છે કે કુવાનું પાણી ભાદર ડેમના પાણી સાથે ભેળવવામાં આવતું હોવાથી ભાદરનું સારું મીઠું પાણી પણ દૂષિત થઈ જાય છે. ગામના કુવાની વાત કરતા જયાબેન મકવાણાએ જણાવ્યું કે કુવાના પાણી દૂષિત પાણી છે તે પાણીને ભાદરના પાણીને પણ દૂષિત કરી નાખે છે અને પાણીથી પેટના દુખાવા થવા ચામડીમાં ખંજવાળ આવવી તેમજ પાણીજન્ય રોગો થાય છે. જ્યારે દક્ષાબેન રાઠોડે જણાવ્યું કે આ પાણીથી ચા નથી બનતી કે નથી બનતી રસોઈ કેમ કે પાણીથી કોઈ શાક ચડતા જ નથી.
જેથી સ્થાનિક મહિલાઓને મીઠા પાણી માટે ગામથી બે કિમી દૂર નર્મદાની પાણીની લાઈનનો એર વાલ્વ આવેલ છે તે એર વાલ્વમાંથી ઉપરથી પાણી છલીને નીચે પડે છે ત્યાં ગામવાસીઓએ પ્લાસ્ટિકની નળી રાખી તેમાંથી પીવાનું પાણી ભરે છે. પરંતુ તે એર વાલ્વ ગામથી દૂર હોવાથી મહિલાઓ સાંજે કામ ઉપરથી આવીને માંડ એકાદ બેડું જેટલું પાણી ભરી શકે છે અને મુખ્ય રોડ પરથી પાણી ભરવા જવું પડતું હોય ત્યાં અકસ્માતનો ભય પણ રહેલો છે. જેથી ગામને કોઈ પણ ભોગે નર્મદાનું કે ભાદર ડેમનું મીઠું પાણી આપવામાં આવે તેવી મહિલાઓ માગ કરી રહી છે.

ગામના કુવાનું પાણી પણ દૂષિત
ગામના આગેવાન મહેશભાઈ ગોંડળીયાએ જણાવ્યું કે, ગામના કુવાનું પાણી દૂષિત પાણી છે, ચાર વર્ષ પૂર્વે જીપીસીબીની દ્વારા કુવાના પાણીનું પરીક્ષણ કર્યું ત્યારે તે પાણી પીવા લાયક ન હોવાનો રીપોર્ટ આવેલો હતો. જેથી કુવાના પાણી સાથે ભાદર ડેમનું પાણી ભેળવવાથી ભાદરનું પાણી પણ દૂષિત થઈ જાય છે અને આવા પાણી વિતરણથી ગામમાં બીમારી ફેલાય છે. જ્યારે આ અંગે ગામના સરપંચ પ્રવીણભાઈ તારપરાને પૂછતાં તેઓએ જણાવ્યું કે અમારા ગામને અમરનગર જૂથ યોજનામાંથી ભાદર ડેમનું પાણી મળે છે, તે પાણી ગામને પૂરૂ પડતું ન હોય ગામમાં આવેલા કુવાના પાણી સાથે ભેળવી ચાર દિવસે વિતરણ કરીએ છીએ.
પરંતુ બે મહિના પૂર્વે ભાદર નદીમાં પુર આવતા અમારા ગામને પાણીની લાઈન તેમાં તણાઈ ગઈ હતી એટલે છેલ્લા બે મહિનાથી તો ગામને ફક્ત કુવાનું પાણી જ વિતરણ કરવામાં આવે છે. તેના કારણે ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે અને આ અંગે પાણી પુરવઠા બોર્ડની કચેરીને રજુઆત પણ કરી છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરિયાએ જણાવ્યું કે તેઓને દેરડી ગામની પાણીની સમસ્યા અંગે જાણ નથી. પરંતુ ચાર દિવસે પાણી મળતું હશે તો ગામને એકાંતરે પાણી મળે તે માટે બનતી તમામ કામગીરી કરવામાં આવશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button