રાજ્યમાં ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય વ્યક્તિએ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડા જિલ્લાના માતરના ભલાડાના ધનાતળાવ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શાળામાં જ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું છે.
શિક્ષકે 12 સપ્ટેમ્બરના રોજ શાળામાં ગોળી ખાઈ આત્મહત્યા કરી
માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના ભલાડા ગામના આચાર્યએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. આચાર્યએ સેલફોસની દવા ખાઈને જીવન ટૂંકાવ્યું લીધું છે. ત્યારે આ મામલે હવે વ્યાજખોર સહિત વહીવટદારો મળીને કુલ 7 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. નડિયાદના નીરવભાઈ પટેલ ભલાડા તાબેના ધનાતળાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને 12 સપ્ટેમ્બરના રોજ શાળામાં સાંજના સમયે તેમણે સેલફોસની ગોળી ખાઈ લીધી હતી.
વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવી ચીઠ્ઠી આપી
ગોળી ખાઈ તેમના ધર્મપત્નીને ટેલીફોનિક જાણ કરતા તેઓ સંબંધી સાથે ભલાડા શાળામાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સભાન અવસ્થામાં વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવી ચીઠ્ઠી આપી હતી. જો કે ત્યાંથી તેઓને સારવાર માટે તાત્કાલિક નડીયાદ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવને લઈને તેમના ધર્મપત્ની દ્વારા સાત વ્યાજખોરો વિરુદ્ધ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વ્યાજખોરો 10થી 60 ટકા સુધીનું વ્યાજ વસુલતા હોવાનો ખુલાસો
ચોંકાવનારી વાત એ છે કે વ્યાજખોરો દ્વારા 10થી 60 ટકા સુધીનું વ્યાજ વસુલવામાં આવતુ હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને નડિયાદના નરેશ પટેલ, વિકી, વિક્રમ મારવાડી, રાકેશ પરમાર, હાર્દિક બારોટ, અલ્પેશ પટેલ અને જતીન પટેલ સહિત 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વ્યાજખોરોના આતંકથી કંટાળીને ઘણા લોકોએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવી લીધું હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે આવા તત્વો સામે પોલીસે પણ લાલ આંખ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને અનેક લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવ્યા છે.
Source link