ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 9 બેઠક પૈકી 2 બેઠકમાં યોજાયેલ ચૂંટણીનું આજે મંગળવારે સાંજે મતદાન પૂર્ણ થયુ હતુ. સરકારી શાળાના શિક્ષક વિભાગ માટે સમગ્ર રાજ્યમાં 79.03 અને સંચાલક મંડળ માટે 70.35 ટકા મતદાન થયું છે.
બે બેઠકમાં કુલ 7 ઉમેદવારો વચ્ચે ખેલાયેલ ચૂંટણી જંગનું ગુરૂવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં જુદાજુદા 58 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા હતા. શિક્ષણ બોર્ડનાં 9 સભ્યો પૈકી 6 સભ્યો બિનહરીફ્ જાહેર થયા હતા. જ્યારે વાલી મંડળની બેઠક પર એક પણ ઉમેદવારનું ફોર્મ માન્ય ન રહેતા આ બેઠક પર ચૂંટણી નહોતી યોજાઈ. સરકારી શાળાના શિક્ષક અને સંચાલક મંડળની બેઠક માટે મંગળવારના રોજ મતદાન થયું હતું.
સંચાલક મંડળની બેઠક પર ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટ અને અમદાવાદના જે.વી. પટેલ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. બંને ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી પોતાની તરફેણમાં મતદાન માટે દોડાદોડ કરી હતી. સંચાલક મંડળની બેઠક માટે સમગ્ર રાજ્યમાં 6,310 જેટલા મતદારો નોંધાયા હતા, જેમાથી 4,439 મતદારોએ મતદાન કર્યું હતું. આમ, સંચાલક મંડળની બેઠક માટે 70.35 ટકા મતદાન થયું હતું. સરકારી શિક્ષકમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા, અમદાવાદના ચેતનાબેન ભગોરા અને ભાવનગરના વિજય ખટાણા સહિત ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. આ બેઠકમાં નોંધાયેલા કુલ 4,677 મતદારોમાંથી 3,696 મત પડયાં હતા.
Source link