ભારત સહિત ઘણા દેશોની અર્થવ્યવસ્થામાં પર્યટન ક્ષેત્રનો મોટો ફાળો છે. પ્રવાસન એ કોઈપણ દેશની સમૃદ્ધિનું પ્રતીક કહેવાય. તે માત્ર સાંસ્કૃતિક ધોરણે લોકોને પ્રભાવિત નથી કરતું, પરંતુ દેશની આર્થિક સ્થિતિને વધારવામાં મહત્વનું યોગદાન પ્રદાન કરે છે. પ્રવાસનના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે, દર વર્ષે 27 સપ્ટેમ્બરના દિવસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં “વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day)” ઉજવવામાં આવે છે. તેની ઉજવણી કરવાનો હેતુ પર્યટનના મહત્ત્વ અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક યોગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રવાસન માત્ર વિવિધ સંસ્કૃતિઓ અને સ્થળોને જ નથી જોડતું, પરંતુ તે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ છે અને ઘણા દેશો માટે આવક અને રોજગારનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. પ્રવાસન થકી આપણે પર્યાવરણના સંરક્ષણ તેમજ સ્થાનિક સમુદાયોના વિકાસમાં પણ યોગદાન આપી શકીએ છીએ.
વિશ્વ પ્રવાસન દિવસનો ઈતિહાસ
વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત 1980 માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ પર્યટન સંગઠન (યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન – UNWTO) દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ પ્રવાસન સંગઠનની સ્થાપના 27 સપ્ટેમ્બર,1970ના રોજ કરવામાં આવી હોવાથી 10 મી વર્ષગાંઠ નિમિત્તે સંસ્થા દ્વારા ૨૭ મી સપ્ટેમ્બરને “પ્રવાસન દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યટનના વિકાસને પ્રોત્સાહિત કરવાનો અને તેને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સમજણના માધ્યમ તરીકે રજૂ કરવાનો છે.
“પર્યટન અને શાંતિ” ની થીમ સાથે ઉજવાશે “વિશ્વ પ્રવાસન દિવસ”:
દર વર્ષે UNWTO દ્વારા એક જુદી-જુદી થીમ અન્વયે પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મુખ્ય મુદ્દાઓ અને પ્રવાસન સંબંધિત સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વિશ્વ પ્રવાસન દિવસ 2024ની થીમ “પર્યટન અને શાંતિ” છે, થીમનો ઉદ્દેશ્ય એ બતાવવાનો છે કે પ્રવાસન સમુદાયોમાં પરિવર્તન લાવી શકે છે નોકરીઓનું સર્જન કરી શકે છે અને સ્થાનિક અર્થતંત્રોને મજબૂત કરી શકે છે.
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાતનો પ્રવાસન, બિઝનેસ, રોજગારી, અધ્યાત્મિક તેમજ ઔદ્યોગિક રોકાણ સહિત તમામ ક્ષેત્રે 360 ડિગ્રી વિકાસ થયો છે. જેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની આ શ્રૃંખલાને અવિરત આગળ ધપાવી રહ્યા છે ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ 2023-24 માં કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. ભારતભરમાંથી મુખ્યત્વે ધાર્મિક, બિઝનેસ, હેરિટેજ અને લીઝર એટલે કે પોતાના વ્યસ્ત જીવનમાંથી આનંદ માણનાર એમ ચાર ક્ષેત્રે રસ ધરાવતા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત હર હંમેશ અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને સતત વેગ આપવાથી દેશ-વિદેશના પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે જે –તે વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે, જેનો સીધો લાભ રાજ્યના નાગરિકો મેળવી રહ્યા છે.
Source link