BUSINESS

Business: GOMની શિક્ષણ સામગ્રી પર GSTના દરને ઘટાડી પાંચ ટકા કરવાની તરફેણ

જીએસટીના રેટ અંગે સમીક્ષા કરનાર મંત્રીઓના સમૂહ (જીઓએમ) વ્યાપક પ્રમાણમાં લોકોને રાહત આપવા માટે શિક્ષણ સામગ્રી સહિતની ઘણી વસ્તુઓ પરના કર દરને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની તરફેણમાં હોવાનું માનવામાં આવે છે.

બુધવારે ગોવામાં મંત્રીઓના સમૂહની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણી ટેક્સટાઈલ અને એપરેલ વસ્તુઓના રૂ.એક હજારની મર્યાદાથી ઉપરની કિંમત પરના દરો પાંચ ટકાથી વધારી 12 ટકા અથવા 18 ટકા કરવાના પ્રસ્તાવ સાથે પણ સંમતિ દર્શાવી હોવાનું માનવામાં આવે છે. સરેરાશ જીએસટી દરમાં વધારો કરીને આ પગલાંથી મહેસૂલી તટસ્થતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ નિવડશે તેવું માનવામાં આવે છે. અલબત્ત આ બેઠકમાં જેની વર્તમાનમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે તે આરોગ્ય વીમા પર ટેક્સ ઘટાડવા અથવા તેને જીએસટીના દાયરામાંથી મુક્તિ આપવાના મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી. આગામી 19મી ઓક્ટોબર અને 20મી ઓક્ટોબરના રોજ જીઓએમની ફરી બેઠક યોજાનારી છે. જેમાં આરોગ્ય વીમા અંગે ચર્ચા કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારની બેઠકમાં જે મુદ્દા પર ચર્ચા કરવાની બાકી રહી ગઈ છે, તે અંગે પણ આગામી બેઠકમાં પરામર્શ કરવામાં આવી શકે છે.

જીઓએમ ઓક્ટોબરની બેઠકો બાદ જીએસટી કાઉન્સિલને જીએસટીના દરો પર સુધારા કરવાના સૂચનોનો વિસ્તૃત રિપોર્ટ સુપરત કરશે. જીએસટી લાગુ કરવા સમયે રેવન્યુ ન્યુટ્રલ રેટ (આરએનઆર) 15.5 ટકા પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરંતુ પરોક્ષ કર પ્રણાલી લાગુ કરવામાં આવી ત્યારથી મોટી સંખ્યામાં વસ્તુઓમાં કર દરોમાં ઘટાડો થવાને કારણે વેઈટેડ સરેરાશ જીએસટી દર ઘટીને 11 ટકાથી નીચે થઈ ગયો છે. જેનો અમલ જૂલાઈ 2017થી કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ જણાવ્યું હતું કે, હાલ જીએસટીના ચાર સ્લેબ લાગુ છે. વર્તમાનમાં વિવિધ વસ્તુઓ અને સેવાઓ પર પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દરે કર વસૂલાત કરવામાં આવે છે. ત્યારે જીએસટીના આ ચાર સ્લેબને ઘટાડી ત્રણ સ્લેબ કરવામાં આવે તેવી પણ પ્રબળ શકયતા છે.

ટેક્સ સ્લેબમાં સંશોધન

એજ્યુકેશન સામગ્રી પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ

ઘણી ટેક્સટાઈલ અને એપરેલ વસ્તુઓના રૂ.એક હજારની મર્યાદાથી ઉપરની કિંમત પરના દરો પાંચ ટકાથી વધારી 12 ટકા અથવા 18 ટકા કરવાના પ્રસ્તાવ સાથે પણ સંમતિ દર્શાવવામાં આવી છે

મંત્રીઓના સમૂહ ઓક્ટોબરમાં યોજાનારી બેઠક બાદ જીએસટી કાઉન્સિલને દરોને તર્કસંગત બનાવવા અંગેનો અહેવાલ સુપરત કરશે

હાલ જીએસટીના ચાર સ્લેબને બદલે ત્રણ સ્લેબ લાગુ કરવાની માંગ જોરશોરથી થઈ રહી છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button