શહેરમાં વૃક્ષોનુ ટ્રીમિંગ કરવામાં તંત્રએ કરેલી આળશ ભારે પડી હતી. ગઈકાલે 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાની વાવાઝોડા દરમિયાન 200 જેટલા ઝાડ પડી ગયા હતાં. મ્યુનિ.કમિશનરના બંગલા પાસે તેમજ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પણ ઝાડ પડતા લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. કપૂરાઈ પાસે મોટુ બોર્ડ પડવાથી યુવાનનુ મોત થયું હતું. તેમજ હાલોલ- વડોદરા ટોકનાકા પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનુ મોત થયુ હતુ.
સરકારી કાર્યક્રમો અંતર્ગત શહેર અને જિલ્લાનુ તંત્ર ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે. તેમાં બે-ચાર છોડ રોપીને ફોટોસેશન કરાઈ રહ્યું છે. આજે જિલ્લામાં 13 ગામોમાં આવુ જ ફોટોસેશન ચાલ્યું હતું, પરંતુ ફોટો પડી ગયા પછી તે ઝાડને ઉછેરવાની જવાબદારી લેવાતી નથી. આવનારી પેઠીને ઓક્સિજન મળી રહે અને શુદ્ધ પર્યાવરણ આપી શકાય તે દિશામાં ચિંતા કરવાની જરૂર છે ત્યારે જે વૃક્ષો ઉગીને ઘટાડાર થઈ ગયા છે જેના ડાળખાઓ આડાઅવળા ઉગેલા છે તેનુ ટ્રીમિંગ કરવાની કામગીરીમાં ખુબ જ આળશ કરવામાં આવે છે અને તેના પરિણામે જ ઝાડ નમી પડે છે અને વાવાઝોડાના સમયે આવા ઝાડ પડી જતા હોય છે. જેના કારણે વાહનો, મકાનો તેમજ દિવાલોને નુક્સાન થવાના બનાવો બને છે તેમજ કમનશીબે મૃત્યુની પણ ઘટના બને છે.
વાવાઝોડા સાથેના વરસાદ દરમિયાન ગઈકાલે રાતે કપૂરાઈ ચોકડી પાસે હાઈવે પર સુરતના વરાછાનો જગદીશ હીરાપરા (ઉવ.45) કાર લઈને પસાર થતો હતો ત્યારે ગઈકાલે મોટુ બોર્ડ પડતા ગંભીર ઈજાને કારણે તેનુ મોત થયું હતું. આવી જ રીતે, હાલોલથી વડોદરા હાઈવે પર વડોદરા ટોકનાકા પાસે બાઈક સ્લીપ થતા જનક નિનામા (ઉવ.29) (રહે.દાહોદ)નુ મોત થયું હતું.
નાગરવાડા અંબે માતાના મંદિર પાસે ઝાડ પડતા એક ગાડી દબાઈ ગઈ હતી અને ઝાડ નીચે પરિવાર ચાર રસ્તા પાસે રહેતો કિરણસિંહ (ઉવ.25) અને જયેશ મનુભાઈ જીરાલ દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે બન્નેને બહાર કાઢયા હતા. જેમાં કિરણસિંહને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે ભાટવાડા જલારામવાળા સેવ ઉસળની ગલીમાં મારૂતિ સુઝિકી કંપનીની વોક્સ વેગન અને બ્રેઝા કાર પર, નિઝામપુરા ગામમાં સ્વિફ્ટ સહિતની બે કાર પર, કિશનવાડી બલદેવ મહોલ્લામાં ઘર પર, ચાણક્યપુરી ચાર રસ્તા સામે મકાન પર અને રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ પ્રભુતા ચાર રસ્તા પાસે છોટા હાથી ટેમ્પો પર ઝાડ પડયું હોવાનો પણ બનાવ બન્યો હતો.
શહેરમાં 200 ઉપરાંત ઝાડ અને ઝાડની ડાળીઓ પડી હતી. જેમાં ગઈકાલે રાતે 149 ઝાડને ફાયર બ્રિગેડના જવાનોએ રસ્તા પરથી દૂર કર્યા હતા. તેમજ આજે પણ આ કામગીરી જારી જ હતી. જેમાં સાંજે 5 કલાક સુધીમાં 50 ઝાડ હટાવ્યા હતાં. એ પછી પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ જ હતી.
Source link