ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોમાં ટેન્ડર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ પંજાબમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં એજન્સીએ રૂ. 22.78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે ભારત ભૂષણ શર્મા ઉર્ફે આશુ પંજાબ સરકારમાં આ વિભાગના મંત્રી હતા. ભારત ભૂષણ શર્મા પણ આ કેસમાં આરોપી છે. અટેચ કરેલી મિલકતો લુધિયાણા, મોહાલી, ખન્ના અને પંજાબના અન્ય ભાગોમાં છે.
FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી
વિજિલન્સ બ્યુરો પંજાબ દ્વારા નોંધાયેલી FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. એજન્સીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, તત્કાલિન મંત્રી ભારત ભૂષણ આશુએ ટેન્ડર ફાળવણીમાં પસંદગીના કોન્ટ્રાક્ટરોને લાભ આપ્યા હતા. તેમને વધુ નફો આપવાનું વચન આપ્યું હતું. જેના કારણે રાજદીપસિંહ નાગરા, રાકેશકુમાર સિંગલા અને અન્ય વ્યક્તિઓ મારફત લાંચ લેવામાં આવી હતી.
જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ભારત ભૂષણ અને રાજદીપ સિંહ
લાંચની રકમને શેલ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરીને જંગમ અને સ્થાવર મિલકતોની ખરીદી માટે મની લોન્ડરિંગ કરવામાં આવી હતી. આ પહેલા 24 ઓગસ્ટ 2023 અને 4 સપ્ટેમ્બર 2024ના રોજ EDએ પંજાબના વિવિધ ભાગોમાં 28 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ભારત ભૂષણ શર્મા અને તેમના નજીકના સહયોગી રાજદીપ સિંહ નાગરાની PMLA 2002 હેઠળ મની લોન્ડરિંગના આરોપસર 1 ઓગસ્ટ 2024 અને 4 સપ્ટેમ્બર 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ બન્ને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
EDએ હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા
અન્ય એક કેસમાં EDએ શુક્રવારે હૈદરાબાદમાં એક કથિત દાણચોરી ટોળકી સાથે સંબંધિત 100 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેલંગાણાના મહેસૂલ મંત્રી પી. શ્રીનિવાસ રેડ્ડી અને અન્ય લોકો પર દરોડા પાડ્યા હતા. હૈદરાબાદ રાજ્યમાં આ કાર્યવાહી પાંચ સ્થળોએ થઈ હતી. મની લોન્ડરિંગનો આ મામલો શ્રીનિવાસના પુત્ર હર્ષ રેડ્ડી વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાથે સંબંધિત છે.
હર્ષ રેડ્ડી પર 7 કરોડ રૂપિયાની પાંચ ઘડિયાળ ખરીદવાનો આરોપ છે. તેમની ચૂકવણી કથિત ક્રિપ્ટો કરન્સી અને હવાલા ગેંગ સાથે જોડાયેલી છે. આ મામલામાં એ. નવીન કુમાર નામના વ્યક્તિની તપાસ ચાલી રહી છે.
Source link