સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 3જી ઓકટોબરથી માં અંબાના નવલાં નોંરતાની શરૂઆત થનાર છે. સુરેન્દ્રનગરમાં પણ શેરી ગરબાની સાથે પાર્ટી પ્લોટોના આયોજન થઈ રહ્યા છે. ત્યારે એસઓપી સહિતની બાબતે ચર્ચા કરવા કલેકટરે શુક્રવારે મોડી સાંજે ગરબા આયોજકો સાથે કલેકટર કચેરીમાં બેઠક કરી હતી. જેમાં પાર્ટી પ્લોટમાં ડોકટર્સની ટીમ અને એમ્બ્યુલન્સ વાન તૈનાત રાખવા જણાવાયુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 3જી ઓકટોબરથી નવરાત્રી પર્વની શરૂઆત થનાર છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગરબાનું આયોજન કરવુ એ આયોજકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે એસઓપીની પળોજણ પણ આયોજકોને સતાવી રહી છે. જેમાં જિલ્લા કલેકટર કે.સી.સંપતે પાર્ટી પ્લોટ અને શેરી ગરબાના આયોજકો સાથે બેઠક કરી હતી. જેમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન સીકયોરીટી, સીસીટીવી કેમેરા રાખવા, વીમો લેવો, ફાયર સેફટીના સાધનો રાખવા સહિતના નિયમો જણાવાયા હતા. આ ઉપરાંત પાર્ટી પ્લોટોમાં ડોકટર્સની ટીમ તૈનાત રાખવા અને એમ્યુલન્સ હાજર રાખવા આદેશ થયા છે. આ આદેશોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
લોકો મન ભરીને ગરબા રમી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરાઈ છે. અને પોલીસ પણ ખડેપગે રહેશે. સુરેન્દ્રનગર શહેરમાં કલ્હાર, ઝુમે ઝાલાવાડ અને ઝમાવટ એમ ત્રણ નવ દિવસના આયોજન સાથે પાર્ટીપ્લોટ થયા છે. જયારે રોટરી કલબ ઓફ વઢવાણ સિટી અને રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા અમુક દિવસો નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત શહેરના માઈ મંદિર, વાઘેશ્વરી સોસાયટી, અલકા ચોક, જોરાવરનગર, રતનપર, વઢવાણ, પતરાવાળી ચોક, જેલ ચોક સહિતના વિસ્તારોમાં પરંપરાગત શેરી ગરબીઓ પણ યોજાનાર છે.
Source link