NATIONAL

Pune: પેટ્રોલ અને ડીઝલને GSTમાં લાવવા સંમતિ સધાવી જોઈએ : હરદીપસિંહ

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપસિંહ પૂરીએ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે સર્વ સંમતિ હોવાની જરૂરિયાત ગણાવી હતી. પૂણે ઇન્ટરનેશનલ સેન્ટરના 14મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે હું લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની વાત કરી રહ્યો છું.
નાણાપ્રધાને પણ ઘણા પ્રસંગોએ ઇંધણને જીએસટી હેઠળ લાવવા કહ્યું છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ભારતની વિશાળ વસ્તીને જોતા ઊર્જા સુરક્ષા ખૂબ જ જરૂરી છે. ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને વધારવા માટે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આયાતી ઇંધણ પર પોતાની નિર્ભરતાને ઘટાડવા માટે રિસર્ચ અને ઇંધણ ઉત્પાદન પર ફોકસ કરવાની જરૂર છે. પૂરીએ કહ્યું હતું કે 140 કરોડની વસ્તી સાથે ભારતનો ઊર્જા વપરાશ વૈશ્વિક સરેરાશ કરતા ત્રણ ગણો વધારે છે. તે કારણે જ વૈશ્વિક ઊર્જા પરિદૃશ્યમાં ભારત એક પ્રમુખ પ્લેયર છે. આગામી બે દાયકામાં દુનિયામાં ઊર્જાના વપરાશમાં જે વધારો થશે તેમાં 25 ટકા ફાળો એકલા ભારતનો રહેશે.
વિપક્ષ શાસિત રાજ્યો વેટ છોડવા તૈયાર નથી
કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે વર્તમાનમાં સ્થિતિ એવી છે કે ભાજપ શાસિત રાજ્યોએ પોતાને ત્યાં વેટના દર ઘટાડી દીધા છે અને બિન-ભાજપ શાસિત રાજ્યો વધારાના વેટને પણ છોડવા માટે તૈયાર નથી, તેથી મને નથી લાગતું કે આમ થઈ રહ્યું છે.પૂરીએ કહ્યું હતું કે ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યના ઇંધણનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તેની સફળતા સ્થાનિક માગ અને ઉત્પાદન પર આધાર રાખે છે અને ટેક્નિકલ પ્રગતિ સંબંધિત ખર્ચ પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button