મિથુન ચક્રવર્તીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સોમવારે આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરી હતી.
દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યૂરીએ ભારતીય સિનેમામાં યોગદાન બદલ મિથુન ચક્રવર્તીને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 8 ઓક્ટોબરે નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવશે. મિથુન ચક્રવર્તીની વર્ષ 1989માં 19 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. તેમનો આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ્ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. આ ઘટનાને લગભગ 35 વર્ષ થઈ ગયાં છે, પરંતુ આજ સુધી કોઈ અભિનેતા આ રેકોર્ડ તોડી શક્યું નથી. મિથુન ચક્રવર્તીનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે. ફિલ્મી દુનિયામાં પગ મૂકતાની સાથે એક્ટરે નામ બદલી દીધું હતું.
1982ની ફિલ્મ ડિસ્કો ડાન્સર 100 કરોડની કમાણી કરનાર હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ હતી
ફિલ્મ ડિસ્કો ડાન્સર 1982માં રિલીઝ થઈ હતી. તેમણે ભારત કરતાં વિદેશમાં વધુ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ સોવિયેત યુનિયન અને મધ્ય પૂર્વના દેશોમાં ખૂબ લોકપ્રિય બની હતી. એક ઇન્ટરવ્યૂમાં મિથુન દાએ પોતાની સુપરડુપર હિટ ફિલ્મ વિશે જણાવ્યું, ‘જ્યારે ડિસ્કો ડાન્સરે 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું તો મને વિશ્વાસ જ ન આવ્યો. મેં કહ્યું, હે ભગવાન, મારી પાસે આટલા પૈસા છે.’ એક રિપોર્ટ અનુસાર ડિસ્કો ડાન્સરની 12 કરોડ ટિકિટ વેચાઈ હતી. આ ફિલ્મને ભારત કરતાં સોવિયત યુનિયનમાં વધુ પસંદ કરવામાં આવી હતી. ડિસ્કો ડાન્સર પછી મિથુન ચક્રવર્તી રાતોરાત સ્ટાર બની ગયા હતા.
મિથુન દા 3 નેશનલ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત
મિથુનને તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રોષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1993ની ફિલ્મ તાહાદર કથા માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર 1996ની ફિલ્મ સ્વામી વિવેકાનંદ માટે મળ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા. મિથુનની ગણતરી ભારતીય સિનેમાના ઇતિહાસના મહાન અભિનેતાઓમાં કરવામાં આવે છે.
મિથુને વર્ષ 1977માં મૃગયા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી
કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 350થી વધુ ફિલ્મોમાં જોવામાં આવ્યા છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ,કન્નડ, પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિથુને વર્ષ 1977માં મૃગયા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. મિથુન એકમાત્ર એવો અભિનેતા છે જેને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રોષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મિથુન દા 80-90ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા. મિથુન ચક્રવર્તીની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 2022ની ધ કાશ્મીર ફાઇલ્સ હતી.
ફિલ્મોમાં આવતા પહેલાં મિથુન ચક્રવર્તી એક નક્સલવાદી હતા
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલાં મિથુન ચક્રવર્તી એક નક્સલવાદી હતા. કોલકતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મિથુન ચક્રવર્તી નક્સલવાદ તરફ્ વળી ગયા હતા અને તેઓ પરિવારને છોડીને નક્સલવાદીઓ સાથે રહેવા લાગ્યા હતા. આ જ દરમિયાન એક દુર્ઘટનામાં તેમના ભાઈનું મૃત્યુ થઈ ગયું અને તેઓ પોતાના પરિવાર પાસે પાછા ર્ફ્યા હતા. આ રીતે તેમણે પોતાની જાતને અને પરિવારને સંભાળીને નક્સલવાદની દુનિયાને અલવિદા કહીને એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને બોલિવૂડને એનો ડિસ્કો ડાન્સર મળ્યો.
Source link