Surendranagar: ચોટીલા,ધ્રાંગધ્રા અને દસાડાના લાભાર્થીઓને મોંઘાં ભાડાં ખર્ચીને કિટ લેવા જવું પડયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત શુક્રવારે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં મોટા તાયફા કરીને ગણ્યા ગાંઠયા લાભાર્થીઓને કીટ અપાઈ હતી.
ત્યારે બાકી રહેલા જિલ્લાભરના લાભાર્થીઓને કીટ મેળવવા માટે તા. 30ના રોજ લીંબડી બોલાવાતા લાભાર્થીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા લીંબડીમાં એજન્સી અપાઈ હોવાથી હાલ ત્યાં કીટ વીતરણ કરાયુ છે. જયારે આગામી દિવસોમાં તાલુકા મથકે પણ કીટ અપાશે અને કોઈ લાભાર્થી કીટથી વંચીત નહી રહે તેવુ સરકારી તંત્રે જણાવ્યુ છે.
રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ નજીક આવવાના એંધાણ લાગતા સરકાર સેવાસેતુ અને ગરીબ કલ્યાણ મેળાઓ કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગત શુક્રવારે વઢવાણ ખાતે કરાયુ હતુ. જેમાં 1453 લાભાર્થીઓને 1.69 કરોડની કીટો અપાઈ હતી. આ કાર્યક્રમમાં સમાવીષ્ટ ન થયેલા લાભાર્થીઓને બાદમાં કીટ વીતરણ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગરીબ કલ્યાણ મેળા બાદ લાભાર્થીઓને ઘરે પત્ર પહોંચ્યા હતા. જેમાં તેઓને લીંબડી ખાતે તા. 30ના રોજ કીટ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પત્રમાં લાભાર્થીઓને સોમવારે તા. 30ના રોજ લીંબડી એપીએમસી ખાતેથી સવારે 9 થી સાંજના 5 દરમીયાન આધારકાર્ડ અને રેશનકાર્ડ સાથે ઉપસ્થીત રહેવા જણાવાયુ હતુ. ત્યારે સોમવારે મોંઘા ભાડા ખર્ચીને જિલ્લાના છેવાડાના તાલુકા ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રાના અરજદારોને પણ લીંબડી કીટ લેવા જવુ પડયુ હોવાથી રોષની લાગણી ફેલાઈ હતી. અને સોમવારે વહેલી સવારથી લીંબડી એપીએમસી ખાતે લાભાર્થીઓએ લાંબી લાઈનો લગાવી હતી. જોકે, તંત્ર દ્વારા આગામી દિવસોમાં તાલુકા મથકે કીટ વીતરણનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયુ છે.
એકપણ લાભાર્થી લાભથી વંચિત નહીં રહે : મેનેજર
આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી.પારેજીયાએ જણાવ્યુ કે, છેલ્લા ઘણા વર્ષોથી કીટ વીતરણ વઢવાણ ખાતે જ કરાતુ હતુ. પરંતુ આ વખતે સરકાર દ્વારા લીંબડીને એજન્સીને કોન્ટ્રાકટ અપાયો હોવાથી ત્યાં કીટ વીતરણ કરવાનું આયોજન છે. પરંતુ કરાર મુજબ લીંબડી બાદ જિલ્લાના તાલુકા મથકોએ 3 વાર કીટ વીતરણ કરવામાં આવશે. આથી જો કોઈ લાભાર્થી લીંબડી કીટ લેવા ન જઈ શકયા હોય તો તેઓ કીટથી વંચીત નહી રહે.
ગરીબ કલ્યાણ મેળામાં રરની સામે 2 વસ્તુની જ કીટ મળી
આ અંગે લખતર તાલુકાના ભડવાણા ગામના સોનલબેને જણાવ્યુ કે, શુક્રવારે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં અપાયેલ બ્યુટી પાર્લરની કીટમાં વેકસની ક્રીમ, ફેસીયલની ટયુબ, ખુરશી સહિત 20થી 22 વસ્તુઓ અપાઈ હતી. જયારે સોમવારે લીંબડીમાં બ્યુટીપાર્લરની કીટમાં માત્ર ખુરશી અને ઓવન અપાયુ છે. ત્યારે બ્યુટી પાર્લરની કીટમાં ઓવનનું શું કામ ? તે સમજાતુ નથી. જયારે સીવણ, ઘરઘંટી, કડીયાકામ સહિતની કીટોમાં પણ આવુ જ જોવા મળ્યુ છે.
અઢી-ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ કિટ મળી
આ અંગે લાભાર્થી રમીલાબેને જણાવ્યુ કે, મેં સીવણના સંચા માટેની કીટ મેળવવા ત્રણેક વર્ષ પહેલા ફોર્મ ભર્યુ હતુ. પરંતુ દર વખતે જાહેર થતી યાદીઓમાં મારૂ નામ આવતુ ન હતુ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે તપાસ કરતા મારૂ ફોર્મ મંજુર થઈ ગયુ હોવાનું જણાવવામાં આવતુ હતુ. પરંતુ ચૂંટણી નજીક આવતા ગરીબ કલ્યાણ મેળાઓ થતા લાંબા અંતરાલ બાદ હવે મને કીટ મળી રહી છે.
મોઘાંભાડાં ખર્ચી લીંબડી કિટ લેવા જવું પરવડતું નથી
આ અંગે વઢવાણ તાલુકાના લાભાર્થી શીલ્પાબેન, મયુરીબેન સહિતનાઓએ જણાવ્યુ કે, અગાઉ દર વખતે અમોને સ્થાનીક કક્ષાએ જ કીટ મળી જતી હતી. જેના લીધે અડધાથી 1 કલાકનો જ સમય જતો હતો. જયારે આ વર્ષે લીંબડી કીટ લેવા જવુ પડતા આખો દિવસ બગડયો છે. અને મોંઘા ભાડા ખર્ચવા પડયા છે. જયારે અમો બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતા હોવાથી એક દિવસની આવક પણ ગુમાવવી પડી છે.
Source link