GUJARAT

Dahod: જિલ્લામાં નવલી નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયામાં થનગનાટ

 ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ રૂમઝૂમ કરતી નવરાત્રી આવી પહોંચી છે. દાહોદ સહિત જિલ્લામાં યોજાનાર ગરબા મહોત્સવ માટે મેદાનો સ્વચ્છ થવા લાગ્યા છે. માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર્વે ની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે યુવાધન ગરબે ઘૂમવા થનગની રહ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં નવરાત્રીનું ડેકોરેશન પૂર્ણ કરી દેવાયું છે. ગુરુવાર રાતથી રોશનીના ઝગમગાટ સાથે રાત્રે જાણે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાશે.

 દાહોદની ઉત્સવ પ્રિય જનતા નવરાત્રિમાં મા શક્તિની આરાધના સાથે ગરબે ઘૂમવા અધીરી બની છે. બાળકો અને યુવાધન નોરતામાં ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. યુવતીઓ, કિશોરીઓ અને મહિલાઓએ મેકઅપથી માંડી વિવિધ ચણિયાચોળી સાથે નવ દિવસની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. દાહોદ શહેરમાં કેસો માધવ રંગમંચ, દેસાઈવાડ સંસ્કાર કેન્દ્ર પ્રસંગ પાર્ટી પ્લોટ (ઈન્દોર રોડ), હનુમાન બજાર, ગોદી રોડ , રામાનંદ પાર્ક,પંકજ સોસાયટી, અમૃત આદિવાસી સોસાયટી, ગોધરા રોડ, સહિત ઘણી ઠેકાણે શેરી ગરબાનું પણ આયોજન કરાયું છે. ગરબાના ચોક શણગારી દેવાયા છે. આયોજકો રાત દિવસ એક કરી રહ્યા છે. હાલ બીફેર નવરાત્રી પણ યોજાઈ રહી છે. ગાયક વૃંદોએ પણ તૈયાર થઈ ગયા છે. શહેરમાં કોઈ અનિચ્છિનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયું છે.

નવરાત્રિ પર્વ પર મોંઘવારી અને મંદીની અસર

મોંઘવારી અને મંદીની અસર સમગ્ર વેપાર ધંધા ઉપર થઈ રહી છે. ત્યારે નવરાત્રી જેવા તહેવારમાં પણ મોંઘવારી અને મંદીની અસર જોવા મળી રહી છે. મેકઅપથી માંડી પહેરવેશ અને મ્યુઝિકથી લઈને ડેકોરેશન મોંઘા થઈ જતા આયોજકો પણ મૂંઝવણમાં છે. મોંઘવારીના કારણે પ્રાયોજકો પણ ઓછા મળી રહ્યા છે.

ગોધરાની પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે બિફેર નવરાત્રિ યોજાઈ

ગોધરા : ગોધરાની પંચશીલ આર્ટ્સ સાયન્સ કોલેજ કોટડા ખાતે આજે બીફેર નવરાત્રી યોજાઈ હતી. કોલેજના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત નવરાત્રીમાં વિદ્યાર્થીઓએ અને સ્ટાફ્ પણ શક્તિની આરાધના કરી ગરબે ઘુમ્યા હતા. જેમાં સાંસ્કૃતિક વિભાગના કોર્ડીનેટર પ્રોફેસર પ્રતિકકુમાર શ્રીમાળી સહ કૉ – ઓર્ડીનેટર પ્રા.પારૂલબેન પટેલ અને કોલેજ સ્ટાફ્, કોલેજના આચાર્ય ડો.વિનોદભાઇ પટેલીઆ તેમજ તમામ નોન ટીચિંગ સ્ટાફ્ પણ સહભાગી થયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button