આવતીકાલ 3 ઓક્ટોબરથી નવરાત્રિ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, તે પહેલા ગરબા રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં અત્યાર સુધી ગરબાના એક પણ મોટા આયોજનને મંજૂરી આપવામાં આવી નથી.
પોલીસ પાસે અત્યાર સુધી 82 જેટલા ગરબા આયોજકોની અરજીઓ આવી
પોલીસ તરફથી એક પણ ગરબા આયોજકને અત્યાર સુધી મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ પાસે અત્યાર સુધી 82 જેટલા ગરબા આયોજકોની અરજીઓ આવી છે પણ એક પણ અરજીમાં ફાયર NOC ન હોવાથી પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે જો આવતીકાલ સુધીમાં જે પણ આયોજકો ફાયર NOC જમા કરાવશે તેને ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે.
એક પણ આયોજક પાસે ફાયર વિભાગની NOC નહીં
ઉલ્લેખનીય છે કે આ વર્ષે સરકારે મોડી રાત સુધી રાજ્યમાં ગરબા ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે પણ તેને લઈને કેટલાક નિયમો પણ આયોજકો માટે બનાવ્યા છે અને તે નિયમો મુજબ જ મોડી રાત સુધી તમામ પાર્ટી પ્લોટો અને અન્ય સ્થળો પર ગરબા ચાલુ રાખી શકાશે. ત્યારે આ પહેલા જ અમદાવાદ શહેરમાં આયોજકો દ્વારા ગરબાના આયોજન માટે પરમિશન માટે અરજીઓ તો કરી દીધી છે પણ શહેરમાં એક પણ આયોજક પાસે ફાયર વિભાગ તરફથી મળતી NOC નથી.
ત્યારે તેને લઈને અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા એક પણ આયોજકને ગરબાનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી નથી. જો આવતીકાલ સુધીમાં ફાયર એનઓસી જમા કરાવવામાં નહીં આવે તો ગરબાની મંજૂરી પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે નહીં.
ફાયર વિભાગ પાસે 70 પાર્ટી પ્લોટોની NOC માટે અરજી આવી
બીજી તરફ અમદાવાદ ફાયરબ્રિગેડના ડીવીઝનલ ફાયર ઓફિસરે માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદ શહેરના ફાયર વિભાગની 4 અલગ અલગ ટીમે શહેરના પાર્ટી પ્લોટોમાં ચકાસણી કરી છે અને ફાયર વિભાગ પાસે 70 પાર્ટી પ્લોટની NOC માટે અરજી આવી છે. ત્યારે હાલમાં 70 માંથી 45 પાર્ટી પ્લોટનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું છે અને જેમાંથી 8 પાર્ટી પ્લોટને NOC આપી દેવામાં આવ્યું છે અને અન્ય પાર્ટી પ્લોટમાં ચકાસણીના આધારે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સૂચનો પૂર્ણ થતાં જ અન્ય પાર્ટી પ્લોટને પણ NOC આપવામાં આવશે.
ખૈલેયાઓએ નવરાત્રિ માટે કરી ધૂમ ખરીદી
બીજી તરફ ગરબા રસીકો તમામ પ્રકારની તૈયારીઓ કરીને ગરબે રમવા માટે થનગની રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ખરીદી, અવનવી સ્ટાઈલના ગરબા અને ચણિયાચોળી, કેડીયુ અને દાંડીયાની ખરીદી લોકોએ કરી લીધી છે. શહેરના તમામ માર્કેટો છેલ્લા કેટલાક દિવસથી ગરબા રસીકોથી ઉભરાયેલા હતા.
Source link