અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની 38 આરટીઓમાં સર્વર ઠપ રહેવાના લીધે ગુરુવારે વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટના અરજદારોને ધરમ ધક્કો પડયો હતો. શુક્રવારે પણ સર્વર ઠપ રહેશે. જેથી શુક્રવારે પણ અમદાવાદ રાજ્યની આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે નહીં. શનિવારે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે કે નહીં ? તેની જાહેરાત વાહનવ્યવહાર વિભાગ તરફથી શુક્રવારે કરાશે.
શુક્રવારની તમામ એપોઇન્ટમેન્ટ રિ-શિડયૂલ કરી દેવાઇ છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા આગોતરી જાણ કર્યા વગર જ ગુરુવાર સવારે સર્વર ડાઉન હોવાનું કારણ આપી અરજદારોને પરત કાઢી મૂકયા હતાં. બુધવારે રજા હતી, આ પછી ગુરુવારે સર્વર ડાઉ રહેતા અડધી રજા કે રજા મૂકીને આવેલા અરજદારોને ધક્કો પડયો હતો. અમદાવાદની ત્રણેય આરટીઓ કચેરીમાં 500થી વધુ એપોઇન્ટમેન્ટ કેન્સલ થતાં અરજદારો પરત ગયા હતાં. સમગ્ર રાજ્યમાં 4000થી વધુ અરજદારોને અસર થઇ હતી. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીઓએ કહ્યું કે, NIC ના સર્વરમાં ખામી સર્જાતા સર્વર ઠપ થઇ ગયું હતું. દિલ્હી સ્થિતિ NIC એ કોઇ પણ જાતની જાહેરાત વગર જ સર્વર બંધ કરી દેતા મુશ્કેલી સર્જાઇ છે. રાજ્યની કેટલીક આરટીઓ કચેરીએ ગુરુવારે ટેસ્ટ માટે ફરી એપોઇન્ટમેન્ટ લેવાની સૂચના આપી રવાના કરી દેવાતા હવે અરજદારોએ એજન્ટોને નવી એપોઇન્ટમેન્ટના પર રૂપિયા 100 ચૂકવવા પડશે. જો વિવિધ આરટીઓ કચેરી તરફથી શુક્રવારની જેમ ગુરુવારની એપોઇન્ટમેન્ટ પણ રિશિડયૂલ કરવાની સૂચનાનું પાલન કરાશે તો લોકોને ખર્ચ ભોગવવો નહીં પડે.
Source link