GUJARAT

Gandhinagar: ગુજરાત સરકારના 26 વિભાગોએ પ્રથમ છ મહિનામાં રૂ.87,147 કરોડ ખર્ચ્યા

ગુજરાત સરકારના 26 વિભાગોએ 2024-25ના નાણાકીય વર્ષમાં પહેલી એપ્રેલથી 30મી સપ્ટેમ્બર સુધીના પ્રથમ 6 માસમાં રૂ.87,147 કરોડનો ખર્ચ કર્યો છે, જે વાર્ષિક કુલ રૂ.3,32,465 કરોડના બજેટની 26.21 ટકા રકમ છે. કુળ ખર્ચમાં રૂ.64,031 કરોડ મહેસૂલી ખર્ચ તરીકે અને રૂ.23,116 કરોડ મૂડીગત ખર્ચ પેટે વપરાયા છે.

રાજ્યમાં નાણાવિભાગે છ માસમાં 26 વિભાગોને મહેસૂલી ખર્ચ પેટે રૂ.1,12,708 કરોડ તથા મૂડીગત ખર્ચ પેટે રૂ.44,650 કરોડ મળીને કુલ રૂ.1,57,358 કરોડ ફાળવ્યા હતા , તેની સામે કુલ 55.38 ટકા રકમ ખચાઇ છે ટૂંકમાં વર્તમાન નાણાકીય વર્ષના પહેલા 6 માસમાં મોટાભાગના વિભાગો ફાળવણી સામે ખર્ચ કરવામાં ઊણા ઉતર્યા છે.

સ્વાભાવિક રીતે નાણાવિભાગનું પર્ફોમન્સ ઉત્કૃષ્ટ રહ્યું હતું અને એના દ્વારા છ માસમાં સૌથી વધુ અંદાજે રૂ.25 હજાર કરોડનો ખર્ચ થયો છે, પણ એનો ખર્ચ 26 વિભાગોના ખર્ચમાં સામેલ નથી

વૈધામિક અને સંસદીય બાબતો, વિધાનસભા સચિવાલય માહિતી અને પ્રસારણ ક્લાઇમેટ ચેન્જ જેવા વિભાગોનું કુલ બજેટ ઘણું નાનું હોય છે. એટલે સ્વાભાવિક રીતે છ માસમાં આવા વિભાગોનો ખર્ચ પણ ઓછો રહ્યો છે. પરંતુ કેટલાક વિભાગોને મોટી રકમ ખર્ચ પેટે ફાળવાઇ હોવા છતાં તેમનો ખર્ચ ઘણો ઓછો રહ્યો છે, જેમ કે મહેસૂલ વિભાગે રૂ.1804 કરોડની ફાળવણી સામે માત્ર 38ટકા યાને રૂ.684 કરોડ ખર્ચ્ચા છે, આદિજાતિ વિકાસ વિભાગે રૂ.3016 કરોજની ફાળવણી સામે 36.56 ટકા એટલે કે માંડ રૂ.1103 કરોડ વાપર્યા છે, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે રૂ.3507 કરોડની ફાળવણી સામે કેવળ 21.24 ટકા એટલે કે માંડ રૂ.745 કરોડ વાપર્યા છે, જ્યારે સામાન્ય વહીવટ વિભાગે રૂ.1457 કરોડની ફાળવણી સામે 37 ટકા અર્થાત રૂ.540 કરોડ જ ખર્ચ્યા છે તો કલાઇમેટ ચેન્જ વિભાગે રૂ.379 કરોડની ફાળવણી સામે માંડ 9ટકા રકમ ખર્ચી છે. બીજી તરફ કેટલાક વિભાગો બજેટના નાણાખર્ચવામાં બહેતર પુરવાર થયા છે, જેમ કે શહેરી વિકાસ વિભાગને રૂ.13,636 કરોડ ફાળવાયા હતા, જેની સામે એણે 84 ટકા રકમ યાને રૂ.11,444 કરોડ વાપર્યા હતા. શિક્ષણ વિભાગે રૂ.38,751કરોડની ફાળવણી સામે રૂ.23,596 કરોડ એટલે કે 61 ટકા રકમ વાપરી હતી. જોકે આમાંનો મોટાભાગનો ખર્ચ પગાર ચુકવણા પાછળ થયો હતો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે રૂ.1746 કરોડ ફાળવણી સામે 61.21 ટકા એટલે કે રૂ.1069 કરોડ ખર્ચ્યા હતા. તો માત્ર રૂ.2559 કરોડનું નાનું વાર્ષિક બજેટ ધરાવતા કાયદા વિભાગને રૂ.1914 કરોડ ફાળવાયા હતા, જેની સામે એણે રૂ.1198 કરોડ ખર્ચ્યા હતા. જે ફાળવણી સામે 63ટકા ખર્ચ છે. એવી જ રીતે આરોગ્ય અને પરિવાર કન્યાણ વિભાગે રૂ.12,955 કરોડની ફાળવણી સામે 60 ટકા રકમ ખર્ચી હતી. જ્યારે મહિલા અને બાળવિકાસ વિભાગે રૂ,4010 કરોડની ફાળવણી સામે 61 ટકા રકમ વાપરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button