સગર્ભા મહિલાને ઝોળી પર લઈ જતા થયેલા મૃત્યુને હાઇકોર્ટે સુઓમોટો દાખલ કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, આવા તંત્રની બેદરકારીના ઉદાહરણ જોઈ શરમ આવે છે. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ પાસે ખુલાસો માગ્યો છે. 17મી ઓક્ટોબરએ હાઇકોર્ટમાં સુનાવણી થશે. છોટા ઉદેપુરના આદિવાસી ગામ તુરખેડામાં સગર્ભાનું કાપડ સ્ટેચરમાં લઈ જતા મૃત્યુ થયુ હતું.
પ્રસવ પીડા શું હોય તે તો એક પ્રસૂતા જ જાણે, પ્રસવ પીડા ઊપડે એટલે સમયસર એમ્બ્યુલન્સ કે અન્ય કોઇ વાહન પહોંચે તેવી પણ સગવડ છોટાઉદેપુરના તુરખેડા ગામમાં તંત્ર આજ સુધી કરી શક્યું નથી. પરિવારજનો ઝોળી બનાવી પ્રસૂતાને દવાખાને લઇ જવાનો પ્રયાસ કરે છે પણ પ્રસવ પીડા વેઠતી વેઠતી તે અભાગી પ્રસૂતા રસ્તામાં જ દમ તોડી દે છે.
સમગ્ર ઘટના શું હતી?
તુરખેડા ગામમાં આજે પણ આંતરિક રસ્તો નથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટાઉદેપુરના ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીનાં 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે. જેને લઇને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ બીમાર પડે ત્યારે ઝોળી બનાવીને ઊંચકીને 5 કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે. અને આ સમસ્યા કોઇક વાર કોઇના મૃત્યુનું કારણ પણ બને છે.
નવજાતે જન્મતાંની સાથે જ માતાનો ખોળો ગુમાવ્યો
તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા કિશનભાઇ ભીલની પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઊપડી હતી. ત્યારે પરિવારજનો તેમજ ગ્રામજનો પ્રસૂતાને ઝોળીમાં નાખીને ઊંચા ઊંચા ડુંગર ચઢીને ખડલા લઈ જતાં હતાં તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. રસ્તામાં પ્રસૂતિ થતાં નવજાત બાળકીનો તો જન્મ થઇ ગયો, પરંતુ મહિલા મૃત્યુ પામી. આ કરુણ ઘટનામાં નવજાત બાળકીએ જન્મતાંની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો. આ શરમજનક ઘટના વિકાસના મોટા મોટા દાવાઓ કરતા ગુજરાતમાં જોવા મળી છે. જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Source link