થાઇલેન્ડથી બિઝનેસ વિઝાના નામે ભારતમાં આવીને ગેરકાયદેસર રીતે સ્પામાં થેરાપીસ્ટ તરીકે કામ કરતી હતી. અમદાવાદમાં સ્પામાં મસાજના નામે ચાલતા અનૈતિક દેહ વ્યાપારમાં વિદેશી યુવતીઓને બિઝનેસ વિઝાના નામે ભારતમાં બોલાવીને વિઝા શરતોનો ભંગ કરવામાં આવતા હોવાનો ગુનો સીઆઇડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યો છે. જેમાં બોડકદેવ કલગી એપાર્ટમેન્ટમાં આવેલા સ્પામાં થાઇલેન્ડની ત્રણ યુવતીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા બે દિવસ પહેલા બોડકદેવ અતિથિ ડાયનીંગ નજીક કલગી એપાર્ટમેન્ટમાં આવેલા ધ થાઇ સ્પા મોર્ય અર્ટિયા નામના સ્પામાં દરોડો પાડીને સ્પાના માલિક મહાવીર અશોકભાઇ નાયક (રહે. સેટેલાઇટ પાર્ક, જોધપુર ચાર રસ્તા, સેટેલાઇટ) વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. મહાવીર નાયક થાઇલેન્ડની યુવતીઓને થેરાપીસ્ટ તરીકે બોલાવીને તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો. પોલીસને સ્પામાંથી થાઇલેન્ડની ત્રણ યુવતીઓ મળી આવી હતી. જે પલેડિયમ મોલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી અને થાઇલેન્ડથી બિઝનેસ વિઝાના નામે ભારત આવી હતી. મહાવીર નાયકે તેમને પ્રતિમાસ 50 હજાર પગારથી એજન્ટની મદદથી પોતાના સ્પામાં કામ કરવા માટે બોલાવી હતી.
જો કે મહાવીર નાયક તેમના 20 હજારનો માસિક પગાર આપતો અને બાકીને રકમ ગ્રાહકો પાસેથી ટીપ મેળવીને લેવાની રહેતી હતી. આમ, ત્રણેય યુવતીઓ વિઝાનો શરત ભંગ કર્યાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસે થાઇલેન્ડની ત્રણેય યુવતીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય યુવતીઓએ વિઝા શરતનો ભંગ કર્યો હોવાથી ફોરેન એક્ટ હેઠળ કાર્યવાહી કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.
Source link