છેલ્લા ઘણા સમયથી રેલવે અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. એક તરફ એરપોર્ટમાં બોમ્બથી ઉ઼ડાવી દેવાની ધમકી મળે છે તો બીજી તરફ રેલવે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેવામાં જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ત્રીજી વખત મળી બોમ્બ વિસ્ફોટની ધમકી
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ને ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટને નિશાન બનાવવામાં આવશે. તાજેતરના સમયમાં આ ત્રીજી વખત છે જ્યારે જયપુરમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. અગાઉ શહેરની મોટી શાળાઓ અને રેલવે સ્ટેશનોને નિશાન બનાવવાની ધમકીઓ મળી હતી.
આ વખતે મળેલી ધમકીનું કન્ટેન્ટ અગાઉના મેલ્સ કરતા તદ્દન અલગ છે. મેલમાં લખવામાં આવ્યું છે કે યાદ રાખો, અમે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોને એકલા હાથે લીધા છે. મેં તેમના અહંકારને ઉઝરડા કર્યા છે અને તેમને નિરાશ કર્યા છે! આ સાથે મેલમાં ધમકીઓ વધારે આપતા કહ્યું કે બૂમ બૂમ, વધુ મોટા ધમાકા થશે! મેલમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાને ‘જય મહાકાલ’ અને ‘જય મા આદિશક્તિ’ જેવા નારા લગાવતો હોવાનું કહ્યું હતું.. મેઈલના અંતમાં લખ્યું છે કે કોઈ રોકી શકશે નહીં, કોઈ છટકી શકશે નહીં. રમત શરૂ થઈ ગઈ છે.
શંકાસ્પદ જણાય તો પોલીસને કરો જાણ
CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તરત જ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે. હાલમાં એરપોર્ટ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અને ઈન્ટેલિજન્સ વિભાગ આ મેઈલના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ગુનેગારોને વહેલી તકે પકડી શકાય. જો કે બોમ્બની ધમકીને પગલે સામાન્ય જનતામાં ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ સુરક્ષા એજન્સીઓએ અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. આ ઉપરાંત કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.