GUJARAT

Garba day 2: રાજ્યના મહાનગરોમાં અવનવા સ્ટેપ્સ સાથે યુવાનો ગરબે ઘૂમ્યા

રાજ્યમાં નવલા નોરતાના બીજા દિવસે મહાનગરોમાં નગરજનો મનમૂકીને ગરબે ઘુમી રહ્યા છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગરમાં લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અવનવા સ્ટેપ્સ સાથે ઢોલના તાલે ઝૂમ્યા.

ગુજરાતમાં નવરાત્રિ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે. નવરાત્રિના આ તહેવારોમાં નાગરીકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે.

નવરાત્રિ દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ 737 શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.

નવરાત્રિ પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં 209 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી બારીકાઈથી CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન તમામ શહેર-જિલ્લા ખાતે 5,152 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત અવરજવર રહેતી હોય છે. જેને ધ્યાને લઇ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શહેર વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button