BUSINESS

ચાર જ સેશનમાં સેન્સેક્સ 3,249,નિફ્ટી 1,015 આંક તૂટયો,રોકાણકારોએ રૂ. 22લાખ કરોડ ગુમાવ્યા

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતાં તણાવ, ચીને આર્થિક પેકેજ જાહેર કર્યું તેને પગલે વિદેશી રોકાણકારો ભારત સહિતના ઊભરતા બજારોમાંથી રોકાણ પરત ખેંચી ચીન તરફ વળ્યા અને સેબીએ એફ એન્ડ ઓ ટ્રેડિંગમાં આકરા નિયમો બનાવ્યા તેને પગલે 27મી સપ્ટેમ્બરથી ભારતીય શેરબજારમાં શરૂ થયેલી મંદી આજે સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ રહી હતી અને ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં યોજાયેલા કુલ 4 સેશનમાં પણ સુચકાંકો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આ ચાર સેશનમાં સેન્સેક્સમાં કુલ 3,249 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 1,015 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે અને આ ચાર સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં કુલ રૂ. 22.36 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજની વ્યાપક મંદીમાં નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી એક માત્ર આઇટી ઇન્ડેક્સ જ 0.66 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે બાકીના 13 ઇન્ડેક્સમાં 0.46 ટકાથી 3.65 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આજે પ્રારંભે તો સેન્સેક્સ 238 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને તે પછી થોડા સમય સુધી મજબૂતાઇ જાળવી રાખ્યા પછી આ સુચકાંકમાં ઘટાડાતરફી ચાલ શરૂ થઇ હતી અને એક સમયે તે 81,000ની સુપાટીથી નીચે પણ ગયો હતો. ઇન્ટ્રા ડેમાં 82,137ની હાઇ અને 80.726ની લો સપાટી બનાવ્યા પછી સેન્સેક્સ દિવસને અંતે 638 પોઇન્ટ એટલે કે 0.78 ટકા ઘટીને 81,050ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ દિવસ દરમિયાન સેન્સેક્સમાં કુલ 1,411 પોઇન્ટની ઊથલપાથલ જોવા મળી હતી અને 27 સપ્ટેમ્બરે બનાવેલી 85,978ની વિક્રમી ટોચથી સેન્સેક્સ માત્ર છ જ સેશનમાં કુલ 4,928 પોઇન્ટ તૂટયો છે. બીજી તરફ નિફ્ટી પણ પ્રારંભે 70 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને પ્રારંભિક સમયગાળામાં 25,143ની હાઇ બનાવ્યા પછી ઘટાડાની ચાલ શરૂ થતાં નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં 24,694ની લો સપાટી બનાવી હતી. આમ દિવસ દરમિયાન કુલ 449 પોઇન્ટની ઊથલપાથલ પછી દિવસને અંતે નિફ્ટી 218 પોઇન્ટ એટલે કે 0.87 ટકા ઘટીને 24,795ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીએ 25,000ની સપાટી ગુમાવી હતી જ્યારે સેન્સેક્સે 81,000ની સપાટી માંડ માંડ જાળવી હતી. નિફ્ટી પણ 26,277ની તેની વિક્રમી ટોચથી માત્ર 6 જ સેશનમાં 1,482 પોઇન્ટ તૂટયો છે. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા 4,178 શેર પૈકી માત્ર 568માં જ વધારો નોંધાયો હતો, જ્યારે 3,493 ઘટીને અને 117 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે રૂ. 451.99 લાખ કરોડ એટલે કે 5.38 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 460.89 લાખ કરોડના આંકથી રૂ. 8.90 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 શેરો પૈકી 8 જ શેરો જ્યારે નિફ્ટીના 50 પૈકી 10 જ શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના ઘટનારા શેરોમાં 0.16 ટકાથી 4.17 ટકા સુધીનો જ્યારે નિફ્ટીના ઘટનારા શેરોમાં 0.06 ટકાથી 4.29 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બ્રોડર માર્કેટમાં બ્લડબાથ, સેન્સેક્સમાં 0.78 ટકાની તુલનાએ મિડ કેપ ઇન્ડેક્સ 1.85 ટકા, સ્મોલ કેપ 3.27 ટકા તૂટયો

બ્રોડર માર્કેટમાં તો મંદીનો જાણે કે માતમ છવાયો હતો અને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં બ્લડબાથ જોવા મળ્યો હતો. ઇન્ટ્રા ડેમાં 1,570 પોઇન્ટની ઊથલપાથલ પછી બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ અંતે 887 પોઇન્ટ એટલે કે 1.85 ટકા તૂટીને 47,019ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ ઇન્ટ્રા ડેમાં 2,478 પોઇન્ટની ઊથલપાથલ પછી બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ અંતે 1,827 પોઇન્ટ એટલે કે 3.27 ટકા તૂટીને 54,117ની સપાટીએ બંધ રહ્યો હતો.

SME IPO ઇન્ડેક્સમાં 5,110 આંકની ઊથલપાથલ, અંતે 3,839 આંકનું ગાબડું

એસએમઇ આઇપીઓ શેરોમાં આજે તીવ્ર ધોવાણ જોવા મળ્યું હતું. પ્રારંભે તો બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 260 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો, પરંતુ તે પછી તીવ્ર વેચવાલી અને ભારે ઉતારચઢાવ વચ્ચે આ ઇન્ડેક્સમાં ઇન્ટ્રા ડેમાં કુલ 5,110 પોઇન્ટની ઊથલપાથલ જોવા મળી હતી. દિવસને અંતે આ ઇન્ડેક્સ 3,839 પોઇન્ટ એટલે કે 3.75 ટકા તૂટીને 98,550ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આજે આ ઇન્ડેક્સ ફરી 1 લાખથી નીચે પહોંચી ગયો હતો. 1,14,991ની વિક્રમી ટોચથી હવે આ ઇન્ડેક્સ કુલ 16,441 પોઇન્ટ નીચે છે.

છ દિવસથી સતત ચાલતી મંદીમાં સેન્સેક્સ કુલ 4,521 પોઇન્ટ તૂટયો

ભારતીય શેરબજારમાં 27 સપ્ટેમ્બરથી એટલે કે છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સતત મંદી ચાલી રહી છે અને સુચકાંકો ઘટીને બંધ રહ્યા છે. આ અગાઉ 26 સપ્ટેમ્બરે સુચકાંકો વધીને બંધ રહ્યા હતા. તે પછી સોમવાર સુધીના કુલ છ સેશનમાં સેન્સેક્સમાં કુલ 4,521 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 1,380 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

આજે બધાની નજર ચીની શેરબજારની ચાલ પર

ચીને અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક પેકેજ જાહેર કર્યું તેને પગલે તેના શેરબજારમાં તેજી જોવા મળી હતી. તે પછી ગોલ્ડન વિકની ઉજવણીને પગલે ચીની શેરબજારમાં 1થી 7 ઓક્ટોબર સુધી રજા રાખવામાં આવી હતી. હવે આવતીકાલથી ફરીથી ચીની શેરબજારમાં કામકાજ શરૂ થવાનું છે ત્યારે તેમાં એફઆઇઆઇના રોકાણનો પ્રવાહ કેવો રહે છે તેની પર સૌની નજર છે, કારણ કે ચીને આર્થિક પેકેજ જાહેર કરતાં વિદેશી રોકાણકારોએ ભારત સહિતના અન્ય ઊભરતા બજારમાંથી રોકાણ પાછું ખેંચી ચીનના બજારમાં રોકવાનું શરૂ કર્યું છે.

સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિરતા, વૈશ્વિક બજારોમાં મિશ્રા વલણ

અમદાવાદ । જીઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે ઉપલ મથાળે સામાન્ય ઘરાકીએ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નજીવો વધારો થયો હતો, જ્યારે ચાંદીમાં વેચવાલીનું પ્રેશર રહેતા ભાવ ઘટયા હતા. સ્થાનિક સ્તરે ઘરકિના અભાવ વચ્ચે કીમતી ધાતુઓના ભાવ ટકી ગયા હતા. બીજી તરફ્ પ્રોફ્ટિ બૂકિંગ પાછળ વાયદા ઘટયા હતા. અમદાવાદ ખાતે સોમવારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 78,500 અને 22 કેરેટ સોનું રૂ. 78,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદીના ભાવ રૂ. 92,000 પ્રતિ કિલોના મથાળે સ્થિર હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2,652 ડોલર સામે 2,656 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. હાજર ચાંદી 32.22 ડોલર સામે ઘટીને 31.87 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોમવારે મોડી સાંજે કોમેક્સ સોનું 5 ડોલર ઘટીને 2,662.80 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 55.4 સેંટ ઘટીને 31.84 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. ઘરઆંગણે MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 286 ઘટીને રૂ. 76,143 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 1,856 તૂટીને રૂ. 93,349 પ્રતિ કિલો થયો હતો. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, US જોબ ડેટા અપેક્ષા કરતાં સારા આવતા ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવના ઓછી થઈ છે. હાલ બુલિયન માટે ડ્રાઇવિંગ ફેર્સ મિડલ ઇસ્ટનું ટેન્શન છે જેના પર રોકાણકારો નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત વધ્યા મથાળે સટ્ટારૂપી વેચવાલી વધી છે તેના કારણે બજારમાં મિશ્રા વલણ જોવા મળ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button