GUJARAT

Morbi: વાંકાનેરમાં 400 મણ ડુંગળીની ચોરી, 3 વ્યક્તિઓને પોલીસે ઝડપ્યા

મોરબીના વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં કુકડા કેન્દ્રમાંથી આશરે 400 મણ ડુંગળી ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરી કરનાર ત્રણ ઈસમોને ઝડપી લઈને રોકડ રકમ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા ઈસમોએ 400 મણ ડુંગળીની ચોરી કરી

પંચાસર સહકારી મંડળી પાસે રહેતા ઈમરાન રસુલ ભોરણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 4 ઓક્ટોબરના રોજ પંચાસર ગામની સીમમાં આવેલા કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા ઈસમોએ 400 મણ ડુંગળીની ચોરી કરી હતી અને તેની કિંમત આશરે રૂપિયા 3 લાખ હતી. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી, જેમાં આરોપીઓએ ચોરાયેલી ડુંગળીના વેચાણનો હિસાબ લઈને 5816 નંબરના સફેક કલરના ટ્રકમાં વાંકાનેર તરફ આવતા હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી હતી.

પોલીસે મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અશોક લેલન્ડ ટ્રક જીજે 36 ટી 5816 પસાર થતા પોલીસે આરોપીઓ સબીરહુશેન અબ્દુલ શેરશીયા, જાબીર સાજી બાદી અને નજરૂદિન અલી બાદી એમ ત્રણ ઈસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 3,11,370 અને એક ડુંગળીનું કટ્ટ અને ટ્રક જેની કિંમત રૂપિયા 3 લાખ સહિતનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થયાનો ખુલાસો

હળવદના પંચમુખી ઢોર વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને તે બનાવમાં મૃતક યુવાનના પિતાએ તેના જ ઘર પાસે રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પત્નીના પ્રેમીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો કાળુભાઈ ધીરૂભાઇ ઝીંઝુવાડીયાએ હાલમાં ભરતભાઈ બાબુભાઈ દેવીપુજક સામે હત્યાની ફરિયાદ નોંધાવેલી અને જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીનો દીકરો સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા રવિવાર રાત્રિના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો, ત્યારે તેના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ભરતભાઈ બાબુભાઇ દેવીપુજકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

આ બનાવની પોલીસ પાસેથી વધુમાં મળેલી માહિતી મુજબ મૃતક યુવાનને આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ આરોપીને થઈ ગયેલી હતી, જેથી કરીને તે વાતનું મનદુ:ખ રાખીને આરોપીએ યુવાન તેના ઘરના ફળિયામાં સૂતો હતો, ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં જ તેના ઉપર હુમલો કર્યો હતો અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હાલમાં હત્યાના આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button