GUJARAT

Navratriમાં મેઘરાજા બન્યા વિલન, રાજ્યના અનેક શહેરોમાં વરસ્યો વરસાદ

આજે સાંજ બાદ રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને અલગ અલગ શહેરોમાં વરસાદ વરસતા ગરબા રસિકોને આખરે નિરાશ થવાનો વારો આવ્યો છે. નવરાત્રિના 7માં નોરતે વરસાદ વરસતા ખેલૈયાઓ નિરાશ થયા છે.

વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો

વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે બજારના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થઈ ગયા છે. વડોદરાના શિનોર, દામાપુરા, માંડવા અને કંજેઠામાં વરસાદ વરસ્યો છે. નવરાત્રિના 7માં નોરતે ખેલૈયાઓ માટે વરસાદ વિલન સાબિત થયો છે અને અનેક જગ્યાએ મંડપ પણ પાણીમાં પલળી ચૂક્યા છે.

સુરતમાં પવન સાથે 20 મિનિટથી સતત વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વીજળી ડૂલ

ત્યારે સુરત ગ્રામ્યમાં પણ ફરી વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવાઝોડા સાથે 20 મિનિટથી સતત વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વીજળી પણ ડૂલ થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વરસાદના પગલે ખેડૂતોના ડાંગર અને શાકભાજી જેવા અન્ય પાકોને પણ નુકસાન થવાની ભીતિ છે, જેને લઈને પણ ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે.

પોરબંદરમાં નવરાત્રિમાં વરસાદે પાડ્યો ભંગ

પોરબંદરમાં નવરાત્રિમાં વરસાદે ભંગ પાડ્યો છે. પોરબંદર શહેરમાં સંધ્યા સમયે વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ગરબા રસિકો મોટી ચિંતામાં મુક્યા છે અને અંતે આજે તેમને નિરાશ થવાનો વારો આવ્યો છે. બરડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.

અમરેલી ખાંભા ગીરના ગામડાઓ પવન સાથે વરસાદ માવઠું

અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં પણ પવન સાથે વરસાદી માવઠું જોવા મળ્યું છે. ચોમાસાની વિદાય બાદ પણ ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી માવઠા જોવા મળી રહ્યા છે. ખાંભાના મોટા સમઢિયાળા, અનીડા, ઈંગોરાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ખાંભા ગીર પંથકમાં ખેડૂતોના તૈયાર પાક પર વરસાદ વરસતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button