GUJARAT

Gujarat Rains: રાજ્યમાં અમરેલી, મહુવા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ

રાજ્યમાં એક તરફ નવરાત્રિનો માહોલ જામેલો છે અને હવે નવરાત્રિના માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, મહુવા, ગીર સોમનાથ અને દીવ સહિત અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.

ખાંભા શહેર અને ગામ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ

ત્યારે નવરાત્રિમાં વરસાદ વરસતા ખેલૈયા અને આયોજકોની મજા બગડી છે અને અનેક જગ્યાએ ગરબીઓ પાણીમાં તરબોળ થઈ ચૂકી છે અને ઘણુ નુકસાન પણ થયું છે. અમરેલીમાં નવરાત્રિમાં જ વરસાદ વિલન બન્યો છે. ખાંભા શહેર અને ગામ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. સમઢીયાળા, અનિડા, ઈંગોરાળામાં વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેલૈયા અને આયોજકોની મજા બગડી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના સોયાબીન, મગફળી અને તલના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.

ભાવનગરના મહુવા શહેર-તાલુકામાં વરસાદ

ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઊંચા-નીચા કોટડા ગામ સહિત કટિકડા, ભાટીકળા, દયાલ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. મહુવા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને બે દિવસથી ભયંકર બફારા બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કોસ્ટલ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે.

ગીર સોમનાથમાં નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન

ગીર સોમનાથમાં નવરાત્રિમાં વરસાદ વિઘ્નરૂપી સાબિત થયો છે. કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળમાં ભારે વરસાદથી ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી છે. જિલ્લાની મોટાભાગની ગરબીઓ પાણીમાં તરબોળ થઈ ચૂકી છે. ત્યારે દીવ ખાતે પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. જો કે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button