GUJARAT

સેન્ટ જોસેફ સ્કૂલમાં બેદરકારી દાખવનાર જેલમાં ધકેલાયા

વિજાપુર તાલુકાના ખણુસા ગામે આવેલી સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં જે કર્મચારીઓની બેદરકારીના લીધે એક માસુમ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. તે બેદરકાર પાંચ કર્મચારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા પાંચેય કર્મચારીઓને આજે વિજાપુર કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં પાંચ પૈકી પ્રિન્સિપાલ જોય પિટર પુલમ્બ્રા તેમજ વહીવટી કર્મચારી કૌશલ મહેન્દ્રભાઈ પટેલને સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે.જ્યારે બાકીના 3 કર્મચારીઓને સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

બુધવારના રોજ સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટેની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓને સ્કૂલ કેમ્પસમાંથી પસાર થતી વિજ લાઈન સાથે લોખંડની સીડીનો સ્પર્શ થતાં કરંટ લાગ્યો હતો. જેમાં સૌથી ઉપર રહેલા ધો.9ના વિદ્યાર્થી આર્યરાજ ઉપેન્દ્રસિંહ સિસોદીયા ને કરંટ લાગતાં નીચે પટકાતાં તેનું કરુણ મોત થયું હતું. સીડી પકડીને ઉભેલા બીજા ત્રણ વિદ્યાર્થીઓને પણ કરંટથી ઈજાઓ થઈ હતી. નવરાત્રિ મહોત્સવ માટે સિરિજ લગાવવાનું કામ બહારની કોઈ તજજ્ઞ એજન્સી ને આપવાના બદલે વિદ્યાર્થીઓ પાસે કરાવવાની બેદરકારીના લીધે માસુમ વિદ્યાર્થીનો જીવ ગયો હતો. શાળાના કેમ્પસમાં વિશાળ મેદાન હોવા છતાં વીજ લાઈનની બાજુમાં મંડપ બાંધવાનું ગુનાહિત કૃત્ય મેનેજમેન્ટ દ્વારા કરાયું હતું. વીજ લાઈન પસાર થતી હોવાની જાણ હોવા છતાં ત્યાં આડશ કરી હોત તો પણ વિદ્યાર્થીઓ વીજ લાઈન સુધી પહોંચી ગયા ન હોત. આમ, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ગંભીર, ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી બીપીન પટેલે આ બેદરકારીનો રિપોર્ટ ગાંધીનગર શિક્ષણ વિભાગમાં મોકલી આપ્યો છે. તેમજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તમામ કસુરવારોને અટક કરવામાં આવ્યા હતા.

સ્કૂલ મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી, પ્રાથમિક રિપોર્ટ સરકારને મોકલી અપાયો : ડીઈઓ

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પટેલે જણાવ્યું હતું કે, સેન્ટ જોસેફ સ્કૂલનું મોટું કેમ્પસ છે, જેમાં અન્ય જગ્યાએ આયોજન થઈ શકે તેમ હોવા છતાં વીજ લાઈન પસાર થતી હતી ત્યાં જ નીચે નવરાત્રીની સિરિજ લગાવવાની કામગીરી વિદ્યાર્થીઓને સોંપાઈ હતી. આ કામ ઈલેક્ટ્રીકનું કામ કરતા કોઈ બહારની એજન્સી કે તજજ્ઞને સોંપવાના બદલે વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું ગંભીર બેદરકારી મેનેજમેન્ટ દ્વારા દાખવવાનું તપાસમાં જણાયું છે. બાળકો કામ કરતા હોય ત્યાં શિક્ષકો કે અન્ય વહીવટી કર્મચારીએ હાજર રહેવું જોઈએ તેનું પણ ધ્યાન રખાયું નથી. મેદાન મોટું હોઈ વીજ લાઈન બાજુ આડશો ઉભી કરીને નવરાત્રીનું આયોજન કરવું જોઈતું હતું. આવી બાઉન્ડ્રી હોત તો બાળકો ત્યાં ગયા ન હોત. આ બાબતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સરકારમાં મોકલી અપાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button