BUSINESS

Business: ભારતમાં 5.66 અબજ ડોલરના નેટ આઉટફ્લો સામે ચીનમાં 15.5અબજ ડોલરનો નેટ-ઇનફ્લો

ચીને અર્થતંત્રને ઉત્તેજન મળે તે માટે આર્થિક પેકેજ જાહેર કરતાં તેના શેરબજારમાં તેજી આવી છે અને ચીનના શેરોમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આના પગલે વિદેશી ફંડો ભારતમાંથી તેમનું રોકાણ પરત ખેંચી ચીનના બજારમાં રોકાણ કરવા માટે પ્રેરાયા છે.

આના કારણે છેલ્લા ત્રણ વર્ષથી વિદેશી રોકાણકારો ચીનમાંથી રોકાણ પરત ખેંચી ભારતમાં રોકાણ કરતાં હતા એ ટ્રેન્ડમાં પલટાયો છે. એક રિસર્ચ સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા મુજબ છેલ્લે માર્ચ, 2023માં ભારત માટેના ડેડિકેટેડ વિદેશી ફંડોના રોકાણમાં નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો, જે પછી ચાલુ મહિનામાં આવો ઘટનાક્રમ જોવા મળ્યો છે. માર્ચ, 2023માં ભારત માટેના ડેડિકેટેડ વિદેશી ફંડોએ 24.50 કરોડ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું હતું, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં આ ફંડો દ્રારા પરત ખેંચવામાં આવેલા રોકાણનો આંકડો 5.66 અબજ ડોલર છે. આ ફંડોએ ભારતમાં કરેલા કુલ રોકાણ એટલે કે એયુએમનું મૂલ્ય 80 અબજ ડોલર છે.

બીજી તરફ ચીનમાં વિદેશી રોકાણના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીન માટેના ડેડિકેટેડ વિદેશી ફંડોએ વીતેલા સપ્તાહમાં 9.3 અબજ ડોલરનું નેટ રોકાણ કર્યું છે. આ સાથે છેલ્લા બે સપ્તાહમાં ચીનમાં આ ફંડો દ્વારા કરવામાં આવેલા નેટ રોકાણનો કુલ આંકડો 15.5 અબજ ડોલર થાય છે. રિસર્ચ સંસ્થાએ આપેલા આંકડા મુજબ ઓગસ્ટ, 2023થી અત્યાર સુધીમાં ચીનમાંથી વિદેશી ફંડો દ્રારા જે રોકાણ પરત ખેંચવામાં આવ્યું હતું તેમાંથી 45 ટકા જેટલું રોકાણ તાજેતરના ઇનફ્લોના કારણે પરચ ચીનમાં આવી ગયું છે. સપ્ટેમ્બર, 2021થી ઓગસ્ટ 2024 દરમિયાન ચીનનો શાંગહાઇ કોમ્પોસિટ ઇન્ડેક્સ આશરે 30 ટકા જેટલો ઘટયો હતો, જોકે છેલ્લા એક મહિનામાં આ ઇન્ડેક્સ 30 ટકા જેટલો રિબાઉન્ડ થયો છે, જેના માટે ચીન દ્રારા અર્થતંત્રને વેગ આપવા માટે જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું તે બાબત જવાબદાર છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં અન્ય ઊભરતા બજારોમાંથી રોકાણ પરત ખેંચી ચીનમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે તેનો ચોક્કસ આંકડો નક્કી કરવો મુશ્કેલ છે. સેબી પાસે ઉપલબ્ધ એફપીઆઇના રોકાણના આંકડા અને કરન્સિ માર્કેટના ડેટાનો આધાર લઇએ તો ભારતમાંથી જંગી પ્રમાણમાં વિદેશી ફંડો રોકાણ પરત ખેંચી રહ્યા છે એવો સંકેત મળે છે. સેબીના આંકડા મુજબ ચાલુ મહિનામાં વિદેશી ફંડોએ ભારતીય બજારમાંથી કુલ 5.7 અબજ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું છે. આ આંકડો તમામ ઊભરતા બજારોમાંથી પરત ખેંચવામાં આવેલા વિદેશી રોકાણનો સૌથી મોટો આંકડો છે.

એક સમાચાર સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એશિયાના અન્ય બજારોમાંથી એફપીઆઇએ પરત ખેંચેલા રોકાણનો આંકડો ભારતની તુલનાએ ઘણો ઓછો છે. સાઉથ કોરિયામાંથી ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી ફંડોએ 77 કરોડ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું છે, જ્યારે તાઇવાન અને થાઇલેન્ડમાંથી પરત ખેંચવામાં આવેલા રોકાણનો આંકડો 50 કરોડ ડોલરથી પણ ઓછો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારતીય રૂપિયો ડોલર સામે ઘટીને સૌપ્રથમ વાર રૂ. 84 થયો હતો.

જિયો પોલિટિકલ ટેન્શનના કારણે વિદેશી રોકાણકારોની જોખમ લેવાની વૃત્તિમાં ઘટાડો થયો છે એવા સમયે ભારતમાંથી વિદેશી ફંડો તેમનું રોકાણ પરત ખેંચી રહ્યા છે અને ભારતીય રૂપિયાના મૂલ્યમાં પણ નોંધપાત્ર ધોવાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત ભારતીય શેરોના ખૂબ જ ઊંચા મૂલ્ય પણ વિદેશી રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે અને તેના કારણે પણ રોકાણ પરત ખેંચવામાં આવી રહ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button