સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવાર સવારથી જ વાદળછાયુ વાતાવરણ શરૂ થયુ છે. ત્યારે સતત ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણને લીધે તાપમાનનો પારો 72 કલાકમાં 7 ડિગ્રી નીચે સરકી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાની આગાહી કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની પુર્ણાહુતિ થઈ છે. નવરાત્રીના અંતીમ દિવસોમાં વરસાદી વાતાવરણ થતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. જિલ્લામાં ગુરૂવાર સવારથી વાદળછાયુ વાતાવરણ શરૂ થયુ છે. જેમાં ગુરૂવાર બાદ શુક્રવાર અને તા. 12મી શનિવારે પણ આકાશમાં વાદળોનું જ સામ્રાજય જોવા મળતુ હતુ. જોકે, વરસાદ ન આવતા ગરબીના આયોજકોને મોટી રાહત રહી છે. ત્રણ દિવસના વરસાદી અને વાદળછાયા વાતાવરણ બાદ પણ કયાંય વરસાદના વાવડ નથી. સુરેન્દ્રનગર શહેરમાં શનિવારે બપોરના સમયે ફોરા સ્વરૂપે થોડો વરસાદ વરસ્યો હતો. અને રસ્તા પર ભીની માટીની સુગંધ પ્રસરાવી ચાલ્યો હતો. સતત ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણને લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા 72 કલાકમાં તાપમાનનો મહત્તમ પારો 38.3 ડીગ્રીથી ગગડીને શનિવારે 31.3 ડીગ્રી નોંધાયો છે. આમ છેલ્લા 3 દિવસમાં તાપમાનનો મહત્તમ પારો 7 ડીગ્રી નીચે ગયો છે. આગામી 3 દિવસ તા. 13,14 અને 15ના રોજ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા પડશે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
Source link