મોહમ્મદ પયગંબર સાહેબ અંગે ગાઝિયાબાદના ડાસનાદેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદની ટિપ્પણીને પગલે સર્જાયેલા વિવાદ બાદ રવિવારે સવારથી 36 બિરાદરીઓની મહાપંચાયતમાં લોકોના ટોળેટોળાં પહોંચવાનું શરૂ થઇ ગયું હતું. પોલીસે તેમને મંદિર જતા પહેલાં જ રોક્યા હતા.
મોટી સંખ્યામાં લોકો પાછા જતા રહ્યા હતા જ્યારે કેટલાકે મહાપંચાયતમાં જવાની જીદ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને પણ પોલીસે તેમના સમર્થકો સાથે મહાપંચાયતમાં જતા રોક્યા હતા. એક તબક્કે મહાપંચાયતમાં જવા 400થી વધુ લોકોનું ટોળું ભેગું થતાં પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. બીજી તરફ યતિ નરસિંહાનંદના રવિવારે પણ કોઇ સગડ મળ્યા નથી. તેઓ અઠવાડિયાથી લાપતા છે. તેમના સમર્થકોનો આરોપ છે કે યતિ નરસિંહાનંદને ગાયબ કરી દેવાયા છે જ્યારે પોલીસે આ આરોપ ફગાવ્યા હતા. નંદકિશોર ગુર્જર અને હિન્દુ સંગઠનોએ તેમની માગણીઓ પૂરી કરવા ગાઝિયાબાદ પોલીસને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. મંદિરના વહીવટકર્તાઓએ પોલીસ પાસેથી મહાપંચાયત યોજવા મંજૂરી માગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. મહાપંચાયતના એલાન બાદથી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી અને મંદિરની આસપાસના વિસ્તારોમાં કલમ 163 લાગુ કરી દેવાઇ હતી. ડાસનાદેવી મંદિર તરફના તમામ રસ્તા બ્લોક કરીને જિલ્લા પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો.યતિ નરસિંહાનંદે ગત 29 સપ્ટેમ્બરે ગાઝિયાબાદના લોહિયાનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં મોહમ્મદ પયગંબર સાહેબ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી અને દશેરા પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન ન કરવા કહ્યું હતું. તેમની આ ટિપ્પણી બાદ સપા સાંસદ ઇકરા ચૌધરીએ તેમની વિરુદ્ધ UAPA અને NSA હેઠળ કાર્યવાહીની માગ કરી હતી.
Source link