GUJARAT

Valsadમાં ભારે પવન સાથે મેઘતાંડવ, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, ગાડીઓ દબાઈ

વલસાડ જિલ્લામાં મોડી સાંજે ભારે પવન સાથે મેઘતાંડવ જોવા મળ્યું છે. ભારે પવન સાથે આવેલા મીની વાવાઝોડાએ પારડી તાલુકાના કાકરકોપરમાં તારાજી સર્જી છે અને સુખાલા, બાલદા, સુખેશ જેવા ગામોમાં ભારે નુકસાન થયું છે.

પારડીથી કપરાડા જતો સ્ટેટ હાઇવે પર મોટી સંખ્યામાં વૃક્ષો પડતા માર્ગ થયો બંધ

ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસવાથી મકાનોના છાપરા તૂટવાના પણ બનાવો બન્યા છે. પારડીથી કપરાડા જતા સ્ટેટ હાઈવે પર અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેના કારણે 3થી 4 જેટલી કાર પણ વૃક્ષ નીચે દબાઈ ગઈ છે. જો કે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ નવસારી શહેરમાં પણ વરસાદ તૂટી પડયો છે અને ભારે ગાજવીજ સાથે શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નવસારી સહિત જલાલપોર તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે.

થરાદમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

બીજી તરફ થરાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. થરાદ સહિત ગ્રામીણ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે થરાદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળી પલળી ગઈ છે અને મગફળી પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. વરસાદની આગાહી હોવા છતાં માર્કેટયાર્ડમાં માલ ખુલ્લામાં રખાયો હતો. ત્યારે આ સાથે જ કચ્છના રાપરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદી પાણીમાં બજારમાં વહી રહ્યા છે, ત્યારે પાણીના પ્રવાહમાં ફ્રીઝ તરતું જોવા મળ્યું છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગરમી અને બફારા બાદ વડોદરામાં મેઘમહેર

આખરે વડોદરા શહેરમાં પણ મેઘરાજાએ ફરી એકવાર મહેર કરી છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડીબાંગ વાદળોના આધિપત્ય વચ્ચે ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જો કે નોકરી પરથી છૂટી ઘરે જનાર નોકરીયાત વર્ગ ભારે વરસાદને પગલે રસ્તામાં અટવાયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે માત્ર 10 મિનિટના વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button