મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં 12 વર્ષના કિશોરનું વિચિત્ર સંજોગમાં મૃત્યુ થયું છે. દુર્ગા પૂજાની મૂર્તિનું વિસર્જન કરવા જતી વખતે અચાનક તે બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું.
મૃતક કિશોરનાં માતાપિતાનો આરોપ છે કે પોતાનો પુત્ર ડીજેના ભયાનક અવાજના કારણે બેભાન થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું. આ ઘટનાને તીવ્ર અવાજથી કાર્ડિયેક એટેક પણ માનવામાં આવે છે. જોકે, આ બાબતે પોલીસ ફરિયાદ નથી થઈ.પ્રાપ્ત વિગત અનુસાર, કૈલાસ બિલ્લૌરે સાઈબાબાનગરમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો 12 વર્ષીય પુત્ર સમર બિલ્લૌરે પાંચમા ધોરણમાં હતો. સોમવારે તેમના વિસ્તારમાં સ્થાપિત દુર્ગા મૂર્તિના વિસર્જનમાં અન્ય છોકરાઓ સાથે તે પણ ગયો હતો. આરોપ છે કે મૂર્તિને વિસર્જન માટે લઈ જવાતા સમયે કાનફાડ અવાજમાં ડીજે વાગાડાતું હતું. લોકો પણ મોટા અવાજે વાગતા ડીજેના તાલે નાચી રહ્યા હતા. એ દરમિયાન અચાનક સમર રસ્તા પર પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. તેના પરિવારજનો તેને ડોક્ટર પાસે લઈ ગયાહતા.
ડોક્ટરે તપાસ કરીને સમરને મૃત જાહેર કર્યો હતો.
સમરના પરિવારે આરોપ કર્યો કે સમરનું મૃત્યુ ડીજેના અવાજના કારણે થયું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પંચાવન ડેસિબલ કરતાં વધારે ઊંચો અવાજ આરોગ્યને હાનિ કરી શકે છે. વધારે ઊંચા અવાજથી કાર્ડિયેક એટેક થવાની ખૂબ જ સંભાવના હોય છે.
Source link